અમદાવાદ,તા.૨
અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં એક પતિએ નોકરીમાં પ્રમોશન પામવા માટે ખુદ પોતાની પત્નીને જ તેના જ બોસ સાથે એક રાત શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીએ પતિની આ વાતનો વિરોધ કરતાં પતિએ તેણીને ઢોર માર પણ માર્યો હતો. બાદમાં પત્નીએ આરોપી પતિ અને સાસુ-સસરા સામે નારણપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણિતાની ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ૨૦૦૭માં એક યુવક સાથે પ્રણયસંબંધ બંધાતા બાદમાં તેની સાથે લવમેરેજ કર્યા હતા. લગ્ન બાદ પરિણિતાને જાણવા મળ્યું હતું કે તેના પતિ અને સસરા પરસ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાના શોખીન છે, તે માટે તેઓએ તેના દાગીના પણ વેચી માર્યા હતા. પતિ બળજબરીથી તેણીને દારૂ અને સિગરેટ પીવડાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. એટલું જ નહી, જે જગ્યાએ તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા માટે જણાવતો હતો. દરમ્યાન પતિને નોકરીમાં પ્રમોશન મેળવવું હોઇ તેણે હદ વટાવી હતી અને પોતાની પત્નીને એક રાત માટે પોતાના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ પત્ની પતિની આવી હલકી અને અત્યંત ઘૃણાસ્પદ વાત સાંભળી રોષે ભરાઇ હતી અને તેમ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ તેની સાથે ઝઘડો કરી તેને માર પણ માર્યો હતો. બાદમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પત્નીએ આખરે શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણિતાની ફરિયાદના આધારે નારણપુરા પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.