(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
૬ વર્ષ બાદ યોજાયેલી બરોડા ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં ૩૧ બેઠકોના પરિણામો શુક્રવારની મોડીરાત્રે જાહેર થતા ૨૩ બેઠકો પર રીવાઇવલ જૂથના ઉમેદવારો જ્યારે ૮ બેઠકો પર રોયલ ગ્રુપના ઉમેદવારોનો વિજય થયો હતો. પ્રમુખ પદે પ્રણવ અમીન જ્યારે ઉપપ્રમુખ પદે શીતલ મહેતાનો વિજય થયો હતો.
૬ વર્ષ બાદ શુક્રવારે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પૂર્વે રીવાઇવલ અને રોયલ ગ્રુપ દ્વારા એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે પોતપોતાની જીતના દાવા કરવામાં આવ્યા હતા. ગઇકાલે ચૂંટણીમાં મતદાન થયા બાદ મોડી સાંજથી મતગણતરી શરૂ થઇ હતી. વહેલી સવાર સુધી ચાલેલી મત ગણતરીના અંતે પ્રમુખ તરીકે રીવાઇવલ ગ્રુપના પ્રણવ અમીન તેમજ ઉપપ્રમુખ પદે શીતલ મહેતાનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે સેક્રેટરી પદ માટે રોયલ ગ્રુપના અજીત લેલે અને જોઇન્ટ સેક્રેટરી પદ પર પરાગ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત મહત્ત્વની ગણાતી મેનેજીંગ કમિટી (એપેક્ષ કમિટી)માં પણ રીવાઇવલ જૂથનો દબદબો રહ્યો હતો. જેમાં રીવાઇવલ જૂથના કમલકાંત પંડ્યા, અંકિન શાહ, રશ્મી શાહ તેમજ રોયલ ગ્રુપમાંથી જય બક્ષી અને કલ્યાણ હરિભકિત ચૂંટાઇ આવ્યા હતા. ટ્રેઝરર પદે રીવાઇવલ જૂથના અજીત પટેલનો માત્ર ૯ મતે વિજય થયો હતો. રોયલ ગ્રુપના ૩ ઉમેદવારો અનંત તેંડુલકર, પ્રેસ કમિટીમાંથી ચિરાગ ઝવેરી, ડો. રવિન્દ્ર દેસાઇ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટીમાંથી કોનર વિલીયમ્સ ચૂંટાઇ આવ્યા હતા. બાકીનાં તમામ પદો પર રીવાઇવલ જૂથના ઉમેદવારોનો વિજય થયો હતો.