(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સંઘના હેડક્વાર્ટર ખાતે આગામી ૭મી જૂને યોજાનારા એક સમારંભમાં મુખ્ય અતિથિ બનવાનું આરએસએસનું આમંત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા સ્વીકારવાની બાબત એક વિવાદ બની ગઇ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને બિનસાંપ્રદાયિકતાના હિતમાં પોતાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવાની પ્રણવ મુખરજીને વિનંતી કરી છે. આરએસએસના કાર્યક્રમમાં જવાનો નિર્ણય પાછો લેવાની અપીલ કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સીકે જાફર શરીફે પત્રમાં લખ્યું છે કે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તમારૂં સંઘના હેડક્વાર્ટરે જવાનું યોગ્ય નથી. હું તમને ફરી એક વાર વિનંતી કરૂં છું કે તમે તમારા આ નિર્ણય અંગે પુનઃ વિચાર કરો અને બિનસાંપ્રદાયિકતા તેમજ દેશના હિતમાં સંઘ પરિવારની મુલાકાત લેવાનું ટાળો.
આ મુદ્દા અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી કોંગ્રેસ દૂર રહી છે પરંતુ પક્ષના એક વરિષ્ઠ નેતાએ એવું પૂછ્યું કે સંઘ સૌથી ‘ખરાબ’ સંગઠન છે, જે ‘કોમવાદી’, રાષ્ટ્રવિરોધી અને વફાદાર નથી, એવું એક પ્રધાન અને કોંગ્રેસના નેતા તરીકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હોવાનું શું આરએસએસ સ્વીકારે છે. એક પ્રધાને પ્રણવ મુખરજીના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે આરએસએસ પાકિસ્તાનની આઇએસઆઇ અને અસ્પૃશ્ય નથી અને આ સારી શરૂઆત છે. પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ અંગે આટલો હોબાળો શા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે આરએસએસે એવો દાવો કર્યો છે કે મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણે પણ તેમના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ આરએસએસની કામગીરીથી પ્રભાવિત થયા બાદ ૧૯૬૩માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સંઘના કાર્યકરોને આમંત્રિત કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીકે જાફર શરીફે પ્રણવ મુખરજીને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે આ સાંભળીને ભારે આશ્ચર્ય થયું છે કે તમે આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે નાગપુરમાં તેમના હેડક્વાર્ટરે જઇ રહ્યા છો. મને આ સમજાઇ રહ્યું નથી કે તમે આ કઇ મજબૂરીને કારણે નિર્ણય લીધો છે. મારી સાથે અન્ય બિનસાંપ્રદાયિક લોકો પણ તમારા આ નિર્ણય વિશે સાંભળીને ચોંકી ગયા છે. પ્રણવ મુખરજી આરએસએસના હેડક્વાર્ટરે જવાના હોવાની બાબતે પૂછવામાં આવતા કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.