(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ભાજપના ઉત્તરાખંડના ધારાસભ્ય કુંવર પ્રણવસિંગ ચેમ્પિયનનો કેટલાક દિવસો પૂર્વે હાથમાં બંદૂક લઈ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમને ભાજપમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે. તેમ પક્ષની એક યાદીમાં જણાવાયું છે. વીડિયોમાં ચેમ્પિયન બિભત્સ ગાળો બોલતાં અને બંદૂક સાથે નાચગાન કરતાં દેખાયા હતા. ત્યારબાદ પ્રદેશ ભાજપે ચેમ્પિયનને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો જેનાથી પક્ષને સંતોષ થયો ન હતો. બાદમાં પક્ષે ચેમ્પિયનને છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢયા હતા તેમ ભાજપના નેતા અની બાલુનીએ જણાવ્યું હતું. ચેમ્પિયન હાથમાં ગન લહેરાવતા દારૂની પ્યાલી સાથે વીડિયોમાં નાચગાન કરતાં જોવા મળ્યા બાદ ભાજપે તેમની સામે કાર્યવાહી કરી હતી. સરકારે તેમની બંદૂકનું લાયસન્સ પણ રદ કર્યું હતું. ચેમ્પિયને કહ્યું કે, લાયસન્સવાળી બંદૂક રાખવી કે દારૂ પીવો તે શું ગુનો છે ? પરંતુ ભાજપને આ કૃત્ય ગેરશિસ્ત લગતાં અંતે પક્ષમાંથી હાંકી કાઢયા હતા.