વાપી, તા.૬
વલસાડ જિલ્લામાં તા.૨જીથી ૮મી ઓક્ટોબર, ૨૦૧૮ દરમિયાન થઇ રહેલી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દક્ષિણ વન વિભાગ દ્વારા આર.જી.એ.એસ. હાઇસ્કૂલ, વાપી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વન્ય પ્રાણીઓના રક્ષણ માટેની જનજાગૃતિના હેતુસર યોજાયેલી રેલીને રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરે ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વન્યપ્રાણીઓની ઓળખ આપતા પાત્રોએ પણ ભાગ લીધો હતો. આ રેલી વાપી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત આર.જી.એ.એસ. હાઇસ્કૂલ ખાતે આવી પહોંચી સભાના રૂપમાં ફેરવાઇ હતી.
આ અવસરે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વન્ય જીવોનું નૈસર્ગિક રહેઠાણ વૃક્ષો છે, જીવન જીવવા માટે જરૂરી ઓક્સિજન પણ વૃક્ષો જ આપે છે ત્યારે દરેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવી તેનું જતન કરવું જરૂરી છે.
નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલે ભવિષ્યનો ચિતાર આપતી નાટિકાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓના જીવન વિષે જાગૃતિ લાવવા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ વન્યપ્રાણીઓનું જતન કરતાં શીખવે છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્યપ્રાણીઓને બચાવવાની પણ આપણી ફરજ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં આર.એફ.ઓ. એ.કે.રાઠવાએ સૌને આવકારી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કનુભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં વન્યપ્રાણીઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
આર.જી.એ.એસ. સ્કૂલની મુસ્કાન વિશ્વકર્માએ સારસ વિષે ટૂંકો પરિચય આપ્યો હતો. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિષયક જાગૃતિસભર નાટક રજૂ કર્યું હતું. શાળા સંકુલમાં વન્યપ્રાણી અંગેના ફોટોગ્રાફસ દર્શાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આભાર વિધિ આર.એફ.ઓ. વી.એસ.પટેલે કરી હતી. આ અવસરે આર.જી.એ.એસ. શાળાના આચાર્ય કિશોરભાઇ, ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યા પ્રિતીબેન, વિવિધ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વાપી મામલતદાર, આર.જી.એ.એસ. હાઇસ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઇ શાહ, ટીમ્બર મરચન્ટ એસોસીએશન, લાયન્સ કલબ, જીવદયા ગ્રુપ-પારડી, સમન્વય પોલીસ વિભાગના કર્મીઓ, વન વિભાગના કર્મચારીઓ શાળા પરિવાર, શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.