(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૬
સાબરકાંઠા જિલ્લાનાં નેશનલ હાઈવે આઠ હિંમતનગર-અમદાવાદ રોડ ઉપર મોટામસ ખાડા પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે અને ખાડામાં વાહન પટકાતા વાહન ચાલકોની કમર પણ ટુટી જાયછે અનેકવાર રજૂઆતો છતાં હાઈવે ઓથોરિટીનું પેટનું પાણી પણ હલતું નથી. હાઈવેના મજરા ચંદ્રાલા, છાલા સહિતના ગામો પાસેથી પસાર થતા હાઈવે ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. હાલ પૂરતું ચોમાસામાં ખાડા પૂરાય તે જરૂરી છે.
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર અનેક જગ્યાએ રોડ ઉપર મોટામસ ખાડા પડયા છેને બીજીબાજુ ચોમાસાની સિઝન હોવાથી ખાડામાં પાણી ભરાતાં આવતાં જતાં લોકો ખાડામાં પડે છે અને તેમના વાહનોને કે તેમણે નાનીમોટી ઈજાઓ પહોંચે છે ત્યારે આ અંગે હાઈવે ઓથોરિટીમાં વાહન ચાલકો દ્વારા રજૂઆતો કરવા છતાં તથા તગડો ટોલટેક્સ લેતા હોવા છતાં આંખઆડે કાન કરવામાં આવ્યાં છે હાલતો વાહન ચાલકોને પોતાના વાહનો પાછળ ખર્ચ કરવાનો કે પોતે વાહન સાથે પટકાતાં તેઓને પણ ડૉકટરી સારવાર લેવાનો વારો આવ્યો છે ત્યારે હાલતો જેની જવાબદારી છે તે હાઇવે ઓથોરિટી હાલતો કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઇ આવે છે. હાઈવે ઓથોરિટીની ગાડી ફરે છે. તે રોડના મેઈન્ટેનન્સનો ખ્યાલ રાખતી નથી ! તેમ ટોલટેક્ષ ભરતા વાહનચાલકો પૂછી રહ્યા છે.