(એજન્સી) તા.૧૫
સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે શનિવારે એવો આક્ષેપ કર્યો હતો કે ફ્રેંચ ઉત્પાદક ડસોલ્ટ દ્વારા ૩૬ રાફેલ ફાઇટર જેટ માટે રાફેલ સોદામાં અનિલ અંબાણીને લાભ કરાવવા માટે જે ફેરફારો કરવામાં આવ્યા હતા તે ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ હેઠળ ભ્રષ્ટાચારનો ઐતિહાસિક કેસ છે. પ્રશાંત ભૂષણ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી ગુરુવારે સીબીઆઇના ડારેક્ટર આલોક વર્માને મળ્યા હતા અને રાફેલ ડીલ અંગેની ફરિયાદ તેમને સુપરત કરી હતી. શનિવારે બપોર બાદ મુંબઇ પ્રેસ ક્લબ ખાતે મીડિયાને સંબોધતા પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે સીબીઆઇ આ મામલામાં એફઆઇઆર દાખલ કરશે અને કમસેકમ પ્રાથમિક તપાસ શરૂ કરશે.
મીડિયાનેે સંબોધતા પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે રાફેલ ડીલ અંગે સરકાર સમક્ષ અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રથમ પ્રશ્નનો સરકારે જવાબ આપવાનો છે કે વિમાનનો આર્ડર ૧૨૬ ફાઇટર જેટ માટે હતો તે ઘટાડીને ૩૬ ફાઇટર જેટ માટે કેમ કરવામાં આવ્યો ? સરકાર જ્યારે મેક ઇન ઇન્ડિયાની વાતો કરી રહી છે ત્યારે કોન્ટ્રેક્ટ હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી કેમ લઇ લેવામાં આવ્યો ? ફાઇટર જેટના વિમાન અગાઉ પ્રતિ વિમાન રૂા. ૬૭૦ કરોડ હતી તે વધીને રૂા. ૧૬૬૦ કરોડ કેવી રીતે થઇ ? જેમને વિમાન બનાવવાનો કોઇ અનુભવ ન હતો એવા અનિલ અંબાણીને શા માટે આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો ? તેમણે વધુમાં એવો આક્ષેપ કર્યોે હતો કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પાર્કિંગના અભાવે તેમજ એચએએલ પાસે વિમાનના ઉત્પાદન કરવાની ક્ષમતા ન હતી એવા સહિતના જે ખુલાસા કર્યા છે તે બિલકુલ વાહિયાત ખુલાસા જણાય છે. આમાં જૂઠાણા સિવાય બીજું કંઇ નથી એવો આક્ષેપ કરીને પ્રશાંત ભૂષણે ઉમેર્યુ હતું કે આ કૌભાંડને કારણે વાયુદળને નિઃસહાય છોડી દીધું હતું અને જાહેર તિજોરીમાં લૂટ ચલાવવામાં આવી હતી.
આ ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ-૭ અને ભૂતકાળના કાયદાની કલમ ૧૩ હેઠળ ભ્રષ્ટાચારનો ઐતિહાસિક કેસ છે અને તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી , તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રીકર, અનિલ અંબાણી સહિત અન્યો વિરુદ્ધ સીબીઆઇને ફરિયાદ આપવામાં આવી છે.