(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
કરોડો રૂપિયાના રાફોલ સોદા મુદ્દે મોટી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં સિનિયર વકીલ અને અરજદાર પ્રશાંત ભૂષણે રાફેલ સોદામાં તપાસની માગણી કરી હતી. કેન્દ્ર સરકારની દલીલોનો વિરોધ કરતા ભૂષણે કહ્યું કે, સરકાર એવું કહે છે કે, જો તમે સરકાર વચ્ચેનો કરાર કરો તો તેમાં ટેન્ડર પ્રક્રિયાની કોઇ જરૂર નથી. પણ સરકારો વચ્ચેનો કરાર ટેન્ડર પ્રક્રિયાને નિષ્ફળ બનાવવા સુધી પહોંચી ગયો. ભૂષણે કોર્ટમાં જણાવ્યું કે, સરકારો વચ્ચેનો કરાર જાણવા મળ્યા નથી. ફ્રાન્સની સરકારે કોઇ સર્વોચ્ચ જવાબદારી સ્વીકારી નથી. જો સરકાર દસોલ્ટને નાણા ચુકવી દે અને તે ઉત્પાદન ન કરે તો શું થશે ? આ સાથે જ ભૂષણે સવાલ કર્યો કે, તેમ છતાં તે સરકારો વચ્ચેના કરાર તરીકે પસાર થશે ? સંપાદન પ્રક્રિયામાં સરકારે ટૂંકો માર્ગ અપનાવ્યો છે તેમ કહેતા ભૂષણે કહ્યું કે, આ એવી બાબત છે જેમાં તપાસ થવી જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે, અનિલ અંબાણીની રિલાયન્સને કોન્ટ્રાક્ટ આપવા માગતા હોવાથી વડાપ્રધાન મોદીએ સોદો બદલ્યો હતો. તેમણે કોર્ટને કહ્યું, શા માટે ૧૨૬ વિમાનોની સંખ્યા ઘટાડી ૩૬ કરાઇ ? ૩-૪ વર્ષ થઇ ગયા અને હજુ એરક્રાફ્ટ અપાયા નથી. મોદી સરકાર સોદાની અંતિમ કિંમતો જાહેર કરતી નથી તે અંગે ભૂષણે કોર્ટને કહ્યું કે, કિંમતો મામલે સંસદમાં ઘણા પ્રસંગોએ સરકારે જાહેર કર્યું છે. પણ હવે તે કહે છે કે, ગુપ્ત સોદો હોવાથી કિંમતો જાહેર કરી શકાય તેમ નથી જે બોગસ દલીલ છે.