(એજન્સી) નવી દિલ્હી, તા.ર૫
વરિષ્ઠ વિકલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે આ વાત ખોટી છે કે સીજેઆઈ સામે મહાભિયોગની નોટિસ ભાજપથી બદલો લેવા માટે દાખલ કરાઈ હતી. એ પ્રકારની વાતો થઈ રહી હતી કે જજ લોયાના મૃત્યુની તપાસનો ઈન્કાર કરાયો હોવાથી સીજેઆઈ સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાનું વિચારવામાં આવ્યું હતું. ભૂષણે ખાસ ધ્યાન દોર્યુ કે જજ લોયાના મૃત્યુની તપાસનો ચુકાદો મહાભિયોગ દાખલ કરવાના નિર્ણયના પાંચ દિવસ પછી આપવામાં આવ્યો હતો.
શુક્રવારે રાજ્યસભાના ૬૪ સભ્યો સાથેની સહીવાળો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને અપાયો હતો જેમાં સીજેઆઈ વિરૂદ્ધ મુખ્ય પાંચ આક્ષેપો મૂકાયા હતા. પ્રશ્ન એ છે કે મહાભિયોગની પ્રક્રિયા શું છે ? કાયદાની જોગવાઈ મુજબ રાજ્યસભાના પ૦ સભ્યો રાજ્યસભાના અધ્યક્ષને અથવા લોકસભાના ૧૦૦ સભ્યો સ્પીકરને સીજેઆઈ સામે મહાભિયોગની નોટિસ આપી શકે છે. એ પછી રાજ્યસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર તપાસ કમિટીની નિમણૂક કરે છે જેમાં સુપ્રીમ કોર્ટના જજ કોઈપણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રખ્યાત વકીલ કમિટી આક્ષેપોની તપાસ કરે છે અને જો દોષી જણાય તો એ પ્રસ્તાવને મતદાન માટે સંસદના બંને ગૃહોમાં મોકલે છે જ્યાં પ્રસ્તાવ પસાર કરવા માટેના સમર્થન માટે બે તૃતિયાંશ મતોની જરૂર પડે છે ત્યારે જ જજને દૂર કરી શકાય છે.
પણ લોકો કહે છે કે સુપ્રીમ કોર્ટે જજ લોયાના મામલામાં કહ્યું હતું કે પીઆઈએલ અર્થાત રાજકીય પ્રેરિત જાહેરહિત અરજી.
સરકાર હંમેશા કહે છે કે ઉપરાષ્ટ્રપતિ મહાભિયોગની અરજી રદ કરી શકે છે પણ એ કયા આધારે રદ કરી શકે ? એ કઈ રીતે કહી શકે કે અરજીમાં મૂકાયેલ આક્ષેપો ખરા નથી, કારણ કે આ કાર્ય તપાસ કમિટીનો છે. ઉપરાષ્ટ્રપતિને ફક્ત સાંસદોની સહીઓની ખરાઈ કરવાની હોય છે. પણ આ કેસમાં તો પ૦થી વધુ સાંસદો ઉપરાષ્ટ્રપતિને રૂબરૂ મળ્યા હતા. બીજી એમણે ખાત્રી કરવી જોઈએ કે આક્ષેપોમાં ગેરવર્તણૂકના આક્ષેપો છે કે નહીં. જો પ્રથમ દર્શનીય રીતે ગેરવર્તણૂકના આક્ષેપો હોય અને પ૦ સાંસદોની સહી હોય તો એમણે અચૂક કમિટીની રચના કરવી જોઈએ.
સરકાર કહે છે કે મહાભિયોગ રાજકીય પ્રેરિત છે. મહાભિયોગ હંમેશા રાજકીય જ હોઈ શકે, ફક્ત સાંસદો જ આવું કહી શકે કારણ કે મતદાન સંસદમાં થવાનું છે. તો પછી રાજકીય પક્ષો સિવાય કોણ એ બાબત નિર્ણય કરશે ? જો જજોની ગેરવર્તણૂક હોય, ભ્રષ્ટાચારના આક્ષેપો હોય તો એની સામે સાંસદો જ પગલાં લેશે. આ રાજકીય પ્રક્રિયા છે જ એમાં કોઈ શંકા નથી. પણ રાજકીય પક્ષો જ સીજેઆઈ સામે અને અન્ય જજો સામે મહાભિયોગ પ્રસ્તાવ મૂકવા આગળ આવતા નથી કારણ કે એમની સામે થયેલા કેસો પણ જજો પાસે પડતર હોય છે.
બીજો પ્રશ્ન એ છે કે શું મહાભિયોગની પ્રક્રિયા સીજેઆઈની નિવૃત્તિ પહેલાં પૂર્ણ થઈ શકશે ? જો સરકાર ઈચ્છે તો એ શક્ય છે આ પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ થઈ શકે છે. ત્રીજો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી એમની સામેની તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી એ પોતાની કામગીરી ચાલુ રાખી શકે કે નહીં. જ્યારે એમની સામે ગંભીર આક્ષેપો છે કે એ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી રહ્યા છે તો એવા સમયે એમણે વહીવટી કાર્યોથી દૂર રહેવું જોઈએ.