(એજન્સી) પટના,તા.ર૩
દેશભરમાં એનઆરસી-સીએએ સામે થઈ રહેલ વિરોધ પ્રદર્શનો વચ્ચે જનતા દળ (યુ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ટ્‌વીટર ઉપર આ કાયદાઓનો અમલ રોકવાના બે માર્ગો જણાવ્યા છે. એમણે ભાજપ ઉપર આ બંને કાયદાઓ બદલ હુમલો કર્યો છે. એમની ઈન્ડિયન પોલિટિક્લ કમિટી ચૂંટણી પ્રચારમાં નિષ્ણાંત હોવાનો દાવો કરે છે. ર૦૧૪માં ભાજપની જીત માટે એમણે શ્રેય લીધો હતો. જો કે, એ પછી ભાજપ છોડી જેડીયુ સાથે જોડાયા હતા. એમણે આ કાયદાઓનો અમલ અટકાવવા બે અસરકારક માર્ગો દર્શાવ્યા છે. જેમાં (૧) બધા જ પ્લેટફોર્મો ઉપર આ કાયદાઓ સામે શાંતિપૂર્વક વિરોધો ચાલુ રાખવા અને (ર) બિન ભાજપ શાસિત રાજ્યોના બધા જ ૧૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ સુનિશ્ચિત કરે કે એમના રાજ્યોમાં સીએએ-એનઆરસી લાગુ કરશે નહીં. આ સિવાય પણ બધું મહત્ત્વપૂર્ણ છે કારણ કે એ સાંકેતિક છે. આ અઠવાડિયામાં આ પહેલા નીતિશકુમારે કહ્યું હતું કે અમે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરીએ. આ ટિપ્પણી પછી પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મને નીતિશકુમારે પહેલેથી જ ખાતરી આપી હતી કે બિહારમાં અમલ નહીં થાય. એમણે કહ્યું કે સીએએ-એનઆરસી બન્ને ભેદભાવો ઊભા કરનારાઓ છે. શનિવારે પ્રશાંત કિશોરે કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ સીએએ-એનઆરસીનો વિરોધ કરવા રસ્તાઓ ઉપર નથી આવતી. એમના મોટાભાગના નેતાઓ નાગરિકો સાથે જોડાતા નથી.