(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવવા બદલ પ્રશાંત કિશોરે ભારતના આત્માસમાન અરવિંદ કેજરીવાલની રક્ષા કરવા બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. ટ્‌વીટર પર પ્રશાંત કિશોરે દિલ્હીનો આભાર માન્યો હતો. પ્રશાંત કિશોરે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે ચૂંટણી વ્યુહરચના બનાવી હતી. આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ભવ્ય વિજય મળ્યો છે. આમ આદમી પાર્ટીને ૭૦ બેઠકોમાંથી ૬ર બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે ૮ બેઠકો પર વિજય મેળવ્યો હતો. વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા છેલ્લા રાઉન્ડમાં વિજેતા બન્યા હતા. ર૦૧પમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો જીતી હતી. કોંગ્રેસે આ વખતે પણ એક પણ બેઠક જીતી નથી. કોંગ્રેસના ૬૭ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.