(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
સોનિયા ગાંધી, મનમોહનસિંઘ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ નાગરિકતા સુધારા બિલ સામે વિરોધ પ્રદર્શનો કરી એને સત્યાગ્રહનું નામ આપ્યું હતું જે પ્રદર્શનોની પ્રશાંત કિશોરે પ્રશંસા કરી હતી. એમણે રાહુલ ગાંધીને સલાહ આપી કે એ એનઆરસી અને સીએએ બાબત નક્કર વલણ રજૂ કરે, આ માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ અધિકૃત રીતે જાહેરાત કરવી જોઈએ. પ્રશાંત કિશોરે ટ્‌વીટર પર રાહુલ ગાંધીનો આભાર માની જણાવ્યું કે, તમે સીએએ-એનઆરસી સામેના વિરોધમાં જોડાયા છો એ માટે આભાર. પણ લોકોનો વિરોધ એ માટે પૂરતો નથી જે રાજ્યોમાં તમારી સરકારો છે એ રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા જાહેરાત કરાવો કે એ સીએએ-એનઆરસીને લાગુ નહીં કરશે અને આ પ્રકારની જાહેરાત તમારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કરવી જોઈએ. પ્રશાંતે વધુમાં લખ્યું કે, મને સૂચના આપવા કરતાં તમારા રાજ્યોના મુખ્યમંત્રીઓ અધિકૃત રીતે જાહેરાત કરશે તો એની અસર થશે. પ્રશાંત કિશોર શરૂઆતથી જ એનઆરસી-સીએએનો વિરોધ કરી રહ્યા છે. એમના પક્ષના વડા નીતિશકુમાર પહેલાં કશું કહેતા ન હતા પણ પ્રશાંતના દબાણ પછી એમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે બિહારમાં એનઆરસીનું અમલ કરવામાં આવશે નહીં.