(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, તેમની સરકાર દેશભરમાં એનઆરસી લાગુ કરશે, પરંતુ તેમાં સુધારો ધરાવતું બિલ મુસ્લિમ સિવાયના દેશમાં રહેતા શરણાર્થીઓને આપોઆપ નાગરિકતા આપશે. જેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બિહારમાં એનડીએના સાથી જનતા દળ(યુ)ના નેતા પ્રશાંત કિશોરે તેનો વિરોધ કરી ટ્‌વીટર પર લખ્યું છે કે, દેશના ૧પ રાજ્યોમાં બિનભાજપી મુખ્યમંત્રીઓ છે, જ્યાં દેશની પપ ટકા વસ્તી રહે છે, શું તેમની સાથે એનઆરસી મુદ્દે ચર્ચા કરાઈ છે ? આશ્ચર્યની વાત છે. એનઆરસી આસામમાં લાગુ થતાં ૧૯ લાખ ભારતીયો બહાર થઈ ગયા, જેમાં ૧ર લાખ હિંદુઓ છે. જેઓ બીજી એનઆરસી માંગે છે. કેસરિયા પાર્ટી આસામમાં મોટાપાયે મુસ્લિમ વસ્તીને બહાર કરી ડિટેશન સેન્ટરમાં મોકલવા માંગે છે. ત્યારબાદ એનઆરસીના આસામના કો-ઓર્ડિનેટર પ્રતિક હાજેલાની સુપ્રીમ કોર્ટની સલાહથી બદલી કરી દેવાઈ હતી. હવે સરકારી અધિકારી રિતેશ દેવ શર્માને નવા એનઆરસી કો-ઓર્ડિનેટર બનાવાયા છે. ઘણા લોકો માને છે કે, કેન્દ્ર સરકાર તેના વલખા શાસનને છૂપાવવા માટે લોકોનું બીજે ધ્યાન દોરવા એનઆરસી મુદ્દો લાવી છે. અગાઉ ભાજપે તેના બે સાથી મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં એલજેપીને ગુમાવ્યા છે. એલજેપી ઝારખંડમાં અલગ ચૂંટણી લડશે.