ડભોઈ,તા.ર૮
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બે દિવસ અગાઉ આપેલ નોટિસ મુજબ ડભોઈ ડિવિઝનમાં સવારે ૯ વાગ્યાની સાંજના પ વાગ્યા સુધી વીજપ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન અહિની રેફરલ હોસ્પિટલ ખાતે એક ઈમરજન્સી ડિલીવરીનો કેસ આવતા નાઈટબત્તીના આધારે તાત્કાલિક મહિલાનું ઓપરેશન કરી ડિલીવરી કરાવી મહિલાના પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આજરોજ સવારની વીજપ્રવાહ બંધ રહેશે. તેની અગાઉથી વીજ કંપની દ્વારા જાણ કરવામાં આવી હતી. અહીની રેફરલ હોસ્પિટલમાં બે જનરેટર મુકવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલના જવાબદાર અધિકારી દ્વારા ચાલુ કરવામાં આવ્યા ન હતા. તે દરમ્યાન ગાયનેક ડોક્ટર અને ઈન્ચાર્જ સુપ્રિ. પાસે સવારે ઈમરજન્સી ડિલીવરી કેસ આવતાં દર્દીના પરિવારજનોને લાઈટ બંધ છે. વડોદરા ડિલીવરી માટે રીફર કરતાં દર્દીના સગાએ ડો.અજયસિંહને વાત કરતાં તાત્કાલિક સીજરથી ડિલીવરી કરવી પડે તેવી પરિસ્થિતિ દિવ્યાબેનની હતી. જેથી ડો.અજયસિંહે તાત્કાલિક ઓપરેશન રૂમમાં જનરેટર ચાલુ કરવા સુપ્રિ.ને જણાવતાને સુપ્રિ.એ ચોખ્ખા શબ્દોમાં જનરેટર ચાલુ કરવાની ના પાડી દેતા ડો.અજયસિંહે નાઈટબત્તીના આધારે પ્રસુતાનું ઓપરેશન દ્વારા ડિલીવરી કરી માતા બાળકને બચાવી લીધા હતા.
નાઈટબત્તીના આધારે સફળ ડિલીવરી થતાં પ્રસુતાના પરિવારજનો અને સગાસંબંધીમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. જ્યારે હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ફરજ અદા નહીં કરી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે ફિટકારની લાગણી જોવા મળી હતી. પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર આ તબીબ સામે પગલા ભરાશે ખરા ?