પાટણ, તા.૩૧
પાટણની એક ગાયનેક હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રસુતા મહિલાનું મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવી તબીબ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તબીબે મૃતક પ્રસુતાના પરિવારજનોના આક્ષેપોને નકાર્યા હતા. પાટણના ચતુર્ભુજ બાગ સામે આવેલ નવજીવન મેટરનિટી હોમ નામની ગાયનેક તબીબની હોસ્પિટલમાં સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામની પ્રસુતા ઠાકોર કૃપાબેન ટીનાજીને પીડા ઉપડતા સારવાર માટે ગતરાત્રે દાખલ કરવામાં આવી હતી. ફરજ પરના તબીબોએ રાત્રે જ મહિલાની નોર્મલ પ્રસુતી કરાવી હતી. સવારે બાળક અને માતાની સ્થિતિ સ્વસ્થ હતી. દરમિયાન એકાએક પ્રસુતાને બ્લડિંગ ચાલુ થઈ જતા હાલત ગંભીર બની હતી. દરમિયાન ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર ચાલુ કરી સાત બોટલ રક્ત ચડાવ્યું હતું અને ગર્ભાશયની કોથળીના ઓપરેશન સમયે મહિલાનું મોત નિપજ્યું હતું, જેને લઈ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો અને તબીબોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી મૃતદેહ લેવાનો ઈન્કાર કરતા હડકંપ મચી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, તેમજ શહેરના અન્ય તબીબો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ તબીબ સામે પોલીસ ફરિયાદનું રટણ કરતા અંતે કેટલાક આગેવાનોએ મધ્યસ્થી બની પેનલ તબીબ દ્વારા પીએમ કરાવવાનો નિર્ણય લઈ મામલો થાળે પાડ્યો હતો. હોસ્પિટલના તબીબોએ બેદરકારીના આક્ષેપોને નકારી જણાવ્યું હતું કે, રાત્રે પ્રસુતાને નોર્મલ પ્રસુતિ થઈ હતી. માતા-બાળક બંને સ્વસ્થ હતા. સવારે એકાએક પ્રસુતા મહિલાને બ્લડિંગ ચાલુ થતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગર્ભાશયની કોથળી કાઢવાની જરૂરત ઊભી થતાં પરિવારજનોની સંમતિથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, તે સમયે મહિલાના હૃદયના ધબકાર બેસી જતાં મોત થયું હતું.