(એજન્સી) વેલિંગ્ટન,તા.ર૦
ન્યુઝીલેન્ડના મહિલાઓ માટેના મંત્રી જુલી સેન જેન્ટર પોતાના પ્રથમ બાળકની પ્રસૂતિ માટે સાયકલ ચલાવી હોસ્પિટલ પહોંચી સ્વસ્થ જીવનશૈલીનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રવિવારે તેણી સાયકલ પર પોતાના ઘરથી ઓકલેન્ડ સિટી હોસ્પિટલ સુધી ૧ કિલોમીટરનું અંતર કાપી પ્રસૂતિગૃહ પહોંચ્યા હતા. તેણી માત્ર મહિલાઓ માટેના મંત્રી નથી પરંતુ તેઓ સહયોગી પરિવહન મંત્રી પણ છે. તેણીના રાજનૈતિક સાથીઓએ લખ્યું કે પ્રસૂતિ માટે સાયકલની સવારી એ પર્યાવરણ બચાવવા માટેનો શ્રેષ્ઠ સંદેશ છે. ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્દા આરર્ડેન તાજેતરમાં જ પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યા બાદ કાર્યાલયમાં પરત ફર્યા છે. આરર્ડેન પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો બાદ કાર્યકાળ દરમ્યાન બાળકને જન્મ આપનાર વિશ્વના બીજા નેતા બન્યા છે.