છોટાઉદેપુર, તા.૧૯
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ કચેરીના લુલા વહીવટના કારણે પ્રથમ સત્ર શરૂ થયાના બે માસ વિતવા છતાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિના ભણી રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો મળવા પામ્યા છે. છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની કથળેલી પરિસ્થિતિ સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગ દોડતું થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર તરફથી વિનામૂલ્યે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે અને જે વર્ષ શરૂ થતાની સાથે જ આપી દેવાની પ્રણાલીકા અપનાવવામાં આવે છે. પરંતુ હજી પણ જિલ્લાની ઘણી બધી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિતરણ કરવામાં આવેલ નથી. તેવું બહાર આવવા પામેલ છે. જેમાં સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ધો.૧૦ના ૪૯૦ જેટલા વિદ્યાર્થીઓ, ધો.૧૧ના ૩૧૦ વિદ્યાર્થીઓ, ધો.૧૨ના રર૮ વિદ્યાર્થીઓ સામે પુસ્તકો ઓછા હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષે વર્ષના અંતે દરેક શાળાઓ પાસેથી આગામી વર્ષ માટે પાઠ્યપુસ્તકોની સંભવિત સંખ્યાઓ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ તેના રિપોર્ટ કરી ઝોન કક્ષાએથી જિલ્લા કક્ષાએ માગણી પત્રકની દરખાસ્ત બનાવી મોકલી આપવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયા વર્ષ શરૂ થયા પહેલાં પાછલા વર્ષના સમય ગાળામાં કરવા હોવા છતાં નવા વર્ષના શિક્ષણ સત્ર શરૂ થયા હોવા છતા પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત રહી જતા હોઈને સામાન્ય બાબત ગણાવી શકાય નહીં. નવાઈની વાત તો એ લાગે છે કે, જ્યારે મીડિયા આ માહિતી એકત્રિત કરીને શિક્ષણ વિભાગને આ અંગે ખુલાસા પૂછે છે ત્યારે જિલ્લા શિક્ષણતંત્ર સફાળુ જાગી અને ખૂટતા પુસ્તકોની યાદી મંગાવવાની પ્રક્રિયામાં જોતરાય છે ત્યાં સુધી તો જિલ્લા શિક્ષણ વિભાગ જ અજાણ છે કે, જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓને પુસ્તક ખૂટે છે ? અને ઝોન કક્ષાએથી માહિતી એકત્રિત કરવામાં વ્યસ્ત બને છે.