(એજન્સી) સિંગાપુર, તા. ૧૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે ભારે સસ્પેન્સ અને ઘણા પ્રકારની અટકળો વચ્ચે યોજાયેલી ઐતિહાસિક શિખર બેઠક પુરી થઇ ગઇ છે. બંને નેતાઓએ એક દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કર્યા છે. અમેરિકાએ ઉત્તર કોરિયાની સુરક્ષાની જવાબદારી લીધી છે અને કિમ જોંગે સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણને સહમતી આપી દીધી છે. બંને નેતાઓને એક-બીજા પર ભરોસો છે. જો કે, ટ્રમ્પે એવું પણ કહ્યું કે જ્યાં સુધી અમને ખાતરી નહીં થઇ જાય કે ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો ખતમ થઇ ગયા છે ત્યાં સુધી ઉત્તર કોરિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે. અમેરિકી અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓની એક ટીમ ઉત્તર કોરિયાના નિશસ્ત્રીકરણની ખરાઇ કરશે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે કોરિયન દ્વિપકલ્પમાં તૈનાત અમેરિકી સૈનિકોને હાલમાં પાછા બોલાવવામાં આવશે નહીં. ઘણા વર્ષોથી કોરિયન દ્વિપકલ્પના આ વિવાદે સમગ્ર વિશ્વમાં ભય અને તનાવનું વાતાવરણ જાળવી રાખ્યું છે. ટ્રમ્પ અને કિમની મુલાકાત વૈશ્વિક શાંતિની દૃષ્ટિએ ભારે મહત્ત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, કિમ જોંગે પણ આ ઐતિહાસિક શિખર બેઠકની પ્રશંસા કરતા ભૂતકાળ ભૂલી જવાનો વાયદો કર્યો છે અને જણાવ્યું કે દુનિયા બહુ મોટું પરિવર્તન જોશે. કિમે એવું પણ કહ્યું કે ટૂંક સમયમાં જ ઉત્તર કોરિયાના મિસાઈલ ટેસ્ટિંગ સ્થળનો નાશ કરાશે. જો કે, આ સ્પષ્ટ થઇ શક્યું નથી કે ઉત્તર કોરિયાના પરમાણુ નિશસ્ત્રીકરણના બદલામાં અમેરિકાએ ઉત્તર કોરિયાને ક્યો પ્રસ્તાવ કર્યો છે. બંને નેતાઓેએ માનવ અધિકારો અંગે પણ ચર્ચા કરી છે.
અગાઉ પ્રથમ રાઉન્ડની શિખર બેઠક આશરે ૫૦ મિનિટ સુધી ચાલી હતી. ત્યારબાદ અન્ય દોરની વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. ટ્રમ્પ અને કિમની હાજરીમાં ત્યારબાદ અન્ય રાઉન્ડની પણ થઇ હતી. જેમાં બંન્ને દેશોના પ્રતિનિધીઓ સામેલ થયા હતા. ટ્રમ્પ અને કિમ વચ્ચે બેઠકનો ઉદ્ધેશ્ય દ્ધિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા અને કોરિયન દ્ધિપમાં પૂર્ણ નિશસ્ત્રીકરણનો રહ્યો હતો. ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં આલિશાન અને ભવ્ય કપેલા હોટલમાં મળ્યા હતા.બેઠક બાદ બંને નેતાઓ બાલકનીમાં આવ્યા હતા. સાથે બહાર આવ્યા બાદ હાથ હલાવીને તમામનો આભાર માન્યો હતો.બંને નેતાઓએ શિખર બેઠકની શરૂઆત ખુબ જ ગરમ જોશી સાથે કરી હતી. હોટેલમાં મિડિયાની સામે હાથ મિલાવીને આની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રમ્પ અને કિમ વચ્ચે ઐતિહાસિક બેઠક ભારતીય સમય મુજબ ૬-૩૦ વાગે થરૂ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે ૭૧ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ અને ૩૪ વર્ષીય કિમ વચ્ચે પહેલા એકલામાં મંત્રણા થઇ હતી. જેમાં માત્ર અનુવાદકો હાજર રહ્યા હતા. ઉત્તર કોરિયાએ વાતચીત માટેની તમામ તૈયારી પહેલા જ દર્શાવી હતી. જેની ઉત્સુકતાપૂર્વક દુનિયાના દેશો રાહ જોઇ રહ્યા હતા તે બેઠક પહેલા બંને નેતાઓ સિંગાપોરમાં પહોંચી ગયા હતા અને સિંગાપોરના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. સિંગાપોરમાં કિમ રવિવારના દિવસે જ આવી પહોંચ્યા હતા. ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા આઈલેન્ડ પર આવેલી ફાઈવસ્ટાર રિસોર્ટ હોટલમાં હતી. કિમની સમગ્ર યાત્રા ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. કિમ ક્યા વિમાનથી પહોચ્યા હતા તે બાબત પણ જાહેર કરવામાં આવી ન હતી. પ્યોગયાંગથી ત્રણ વિમાન સિંગાપોર પહોંચ્યા હતા. જે પૈકી એક સોવિયત નિર્મિત ઇલ્યુશિન -૬૨ વિમાન હતુ. જે કિમનુ અંગત વિમાન છે. કિમ ક્યા વિમાનથી પહોંચ્યા હતા તે બાબત જાહેર કરવામાં આવી ન હતી. સિગાપોરમાં પહોંચ્યા બાદ કિમ સૌથી પહેલા ત્યાંના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણનને મળ્યા હતા. સેન્ટ રિજિસ હોટેલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ હોટેલમાં કિમ રોકાયા છે. સમગ્ર હોટેલને વધુને વધુ ઢાકી દેવામાં આવી હતી. આ બેઠકને લઇને માત્ર સુરક્ષા ઉપર ૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. સિંગાપોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ જ્યાં રોકાયેલા છે તે તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સિંગાપોરના ગૃહમંત્રીના કહેવા મુજબ ૫૦૦૦થી વધારે પોલીસ ઓફિસર અને અન્ય સુરક્ષા કર્મીઓ બેઠકને લઇને તૈનાત કરાયા હતા. હોટલ સેન્ટરિજિસમાં કિમ જોંગ રોકાયેલા છે અને સાંગરિલા હોટલમાં ડોનાલ્ડ ટ્રમ્પ રોકાયેલા છે. બંને નેતાઓ એકબીજાને મળ્યા બાદ પ્રતિનિધીસ્તરની વાતચીતનો દોર શરૂ થયો હતો.
ટ્રમ્પ અને કિમ જોંગની ઐતિહાસિક મુલાકાત સાથે સંબંધિત ૧૦ સૌથી મહત્ત્વની વાતો.
૧. અમેરિકાએ ઉત્તર કોરિયાની સુરક્ષાની જવાબદારી લીધી, કિમ જોંગ ઉન સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ માટે તૈયાર થયા.
૨. ટ્રમ્પે કિમને ભારે પ્રતિભાશાળી ગણાવ્યા અને કહ્યું કે તેઓ ચોક્કસપણે કિમને વ્હાઇટ હાઉસ બોલાવશે. અમે ઘણી વાર મળીશું.
૩. ટ્રમ્પે સમિટને અપેક્ષા કરતા વધુ બહેતર અને દસ્તાવેજને વ્યાપક ગણાવ્યા અને કહ્યું કે અમે અત્યંત મહત્ત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.
૪. કિમે કહ્યું કે અમે ઇતિહાસને પાછળ છોડવાનો નિર્ણય લીધો છે. ઐતિહાસક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા પછી કિમ જોંગે કહ્યું કે દુનિયા મોટા પરિવર્તન જોશે. કિમે આ બેઠક માટે ટ્રમ્પનો આભાર માન્યો.
૫. પરમાણુ નિશસ્ત્રીકરણ અંગે ટ્રમ્પે કહ્યું કે ટૂંક સમયમાં જ નિશસ્ત્રીકરણની પ્રક્રિયા શરૂ થશે.
૬. ટ્રમ્પે કહ્યું કે કિમ જોંગ ઉન સાથે સ્પેશિયલ બોન્ડ બન્યો છે. કિમ પોતાના દેશને બહુ પ્રેમ કરે છે.
૭. ટ્રમ્પેે કહ્યું કે અમે દુનિયાની એક અત્યંત ખતરનાક સમસ્યાનું ધ્યાન રાખવા જઇ રહ્યા છીએ. દસ્તાવેજના સંદર્ભમાં કહ્યું કે આ પછી દુનિયા અને નોર્થ કોરિયાના સંબંધ બદલાઇ જશે. હવે પહેલા કરતા પરિસ્થિતિ જુદી હશે.
૮. કિમ સાથે પસાર કરેલા સમયને ટ્રમ્પે ઘનિષ્ઠ ગણાવ્યા. આ બેઠકે બધું જ બદલી નાખ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ કિમનો આભાર માનવા માગે છે.
૯. ચીને કહ્યું, સમિટે ઇતિહાસ બનાવી દીધો. ટ્રમ્પ અને કિમ જોંગની સમિટને કારણે ચીન ચિંતિત હોવાના અહેવાલો આવી રહ્યા હતા પરંતુ બેઠક બાદ ચીનના સૂર બદલાઇ ગયા છે. ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે કોરિયન દ્વિપકલ્પનો મુખ્ય વિવાદ સુરક્ષા સાથે જોડાયેલો છે. તેના ઉકેલની સાથે હવે સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ પણ થવું જોઇએ.
૧૦. દક્ષિણ કોરિયાએ ટ્રમ્પ અને કિમની શિખર બેઠકને ‘સદીની વાતચીત’ કહીને તેની પ્રશંસા કરી છે.

અમેરિકા દક્ષિણ કોરિયા સાથેનો ‘ઉશ્કેરણીજનક’ સૈન્ય કવાયત બંધ કરી દેશે : ટ્રમ્પ

(એજન્સી) સિંગાપુર, તા. ૧૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથેની પરમાણુ નિશસ્ત્રીકરણની મંત્રણાઓમાં સહાયરૂપ થવા માટે અમેરિકા દક્ષિણ કોરિયા સાથેની ‘ભારે ઉશ્કેરણીજનક’ અને ખર્ચાળ સૈન્ય કવાયત બંધ કરી દેશે. ઉત્તર કોરિયાના રોષને કારણે અમેરિકા અને તેનો સહયોગી દક્ષિણ કોરિયા નિયમિત લશ્કરી ક્વાયત કરે છે. આ કવાયતને તેના પર આક્રમણની તૈયારી તરીકે જોવામાં આવે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથેની ઐતિહાસિક શિખર બેઠક બાદ સિંગાપુરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું કે સૈન્ય કવાયતો ભારે ખર્ચાળ છે અને તેના ખર્ચનો મોટો ભાગ અમેરિકા ચુકવે છે. સંજોગોવસાત અમે ઉત્તર કોરિયા સાથે મંત્રણા કરી રહ્યા છીએ અને મને લાગે છે કે આવી સ્થિતિમાં સૈન્ય ક્વાયત કરવાનું યોગ્ય નથી.

વ્હાઇટ હાઉસમાં પણ કિમ જોંગ ઉનને બોલાવશે : ટ્રમ્પ

સિંગાપોર, તા. ૧૨
સિંગાપોરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મંત્રણા પૂર્ણ થયા બાદ ટ્રમ્પ ખુબ જ ઉત્સાહિત દેખાયા હતા. દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરાયા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, આ તેમના માટે એક શાનદાર દિવસ તરીકે છે. બંનેએ એકબીજા સાથે બેસીને એકબીજાના દેશની વિગત જાણવાના પ્રયાસ કર્યા છે. ટ્રમ્પે કિમ જોંગને પ્રભાવશાળી લીડર તરીકે ગણાવતા કહ્યું હતું કે, અમે અનેક વખત મળીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચોક્કસપણે કિમ જોંગને વ્હાઇટ હાઉસ માટે આમંત્રણ આપશે. સમિટના અંતે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ ખુબ જ વ્યાપક દસ્તાવેજ છે. બીજી બાજુ ઐતિહાસિક ડોક્યુમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા પછી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કહ્યું હતું કે, અમે ઇતિહાસને પાછળ છોડવાનો નિર્ણય કરી ચુક્યા છે. દુનિયા મોટા ફેરફાર હવે જોશે. કિમે આ બેઠક માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો. નિશસ્ત્રીકરણની પ્રક્રિયા વહેલીતકે શરૂ થશે. ઉત્તર કોરિયાના લીડર સાથે ખાસ સંબંધો સ્થાપિત થયા છે.

યુદ્ધ તો કોઇપણ કરી શકે છે પરંતુ શાંતિ લાવવી માત્ર બહાદુરોનું જ કામ : ટ્રમ્પ

(એજન્સી) સિંગાપુર, તા. ૧૨
કિમ સાથેની ઐતિહાસિક મુલાકાત બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસનો નવો અધ્યાય શરૂ થયો છે. કિમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ તો કોઇ પણ કરી શકે છે પરંતુ શાંતિ લાવવી માત્ર બહાદુરોનું જ કામ છે. કિમ માટે આ મોટી તક છે. અમે એક-બીજાને સારી રીતે જાણ્યા છે. પરમાણુ નિશસ્ત્રીકરણ માટે સમજૂતી થઇ છે. મંત્રણા અપેક્ષા કરતા વધુ બહેતર રહી છે. અમારી બંને વચ્ચે બહેતર સંબંધો છે અને અમે સાથે મળીને મોટી સમસ્યા ઉકેલીશું.

ટ્રમ્પ અને કિમની મુલાકાતનું ભારતીય કનેક્શન

(એજન્સી) સિંગાપુર, તા. ૧૨
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનો ચીન પછી આ બીજો વિદેશી પ્રવાસ છે. કિમ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શિખર બેઠકમાં આમ તો ભારતનું કોઇ એંગલ નથી પરંતુ આ સંમેલનની મહેમાનનવાજી અને તેની વ્યવસ્થા કરવામાં એક વ્યક્તિનો સંબંધ ભારત સાથે છે. એ વ્યક્તિ સિંગાપુરના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણન છે. બાલકૃષ્ણન સોમવારની રાત્રે કિમ જોંગ ઉનને સિંગાપુર ફરવા લઇ ગયા હતા. ભારતીય મૂળના બાલાકૃષ્ણન હાલમાં સિંગાપુરના સૌથી મહત્વના પ્રધાન છે. તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે છેલ્લા થોડાક દિવસોમાં કિમ અને ટ્રમ્પ સાથે બહુ સમય પસાર કર્યો છે. તેઓ બંને નેતાઓ વચ્ચે એક કડી હોવાથી બંને નેતાઓની ટીમ માટે બાલાકૃષ્ણન હાલામાં સૌથી મહત્વના છે. બાલાકૃષ્ણને જ રવિવારે ચાંગી એરપોર્ટ પર ટ્રમ્પ અને કિમ જોંગનું સ્વાગત કર્યું હતું અને બાદમાં બંને નેતાઓ સાથે અલગ-અલગ મુલાકાત કરીને શિખર બેઠકની તૈયારીઓની માહિતી આપી હતી.
બાલાકૃષ્ણનના પિત તમિળ સમાજના છે અને માતા ચીની સમુદાયનાં છે. બાલાકૃષ્ણન અને ભારતીય મૂળના ઘણા પ્રધાન એ પૂરવાર કરે છે કે સિંગાપુરમાં ભારતીય સમુદાય બહુ સફળ છે.