(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૬
ચીનના કેટલાક ભાગોમાં માનવ અધિકારોની કથળી રહેલી પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરીને અમેરિકાએ જણાવ્યું કે વોશિંગ્ટન માનવ અધિકારોની કથળી રહેલી પરિસ્થિતિ માટે જવાબદાર લોકો સામે પગલા ભરવા અંગે અમેરિકા વિચારણા કરી રહ્યું છે. અમેરિકાએ આ મુદ્દા અંગે ચીન સામે પ્રતિબંધ લાદવાના પણ સંકેત આપ્યા છે. માનવ અધિકારો અંગે અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના શિનજિયાંગમાં ૧૦ લાખથી વધુ ધાર્મિક લઘુમતીઓને કથિત રીતે અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે દેશના પશ્ચિમોત્તર ક્ષેત્રમાં રહેતા ઉઇગર મુસ્લિમોને પણ ભારે સંખ્યામાં આતંકવાદ વિરોધી લડાઇની આડમાં ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે.
વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા રોબર્ટ પેલાડિનોએ જણાવ્યું કે અમે આ નીતિઓ ખતમ કરવા અને મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવેલા મુસ્લિમોને મુક્ત કરવા માટે ચીન પર દબાણ કરતા રહીશું. અમે મુસ્લિમોના માનવ અધિકારોના ભંગ કરનારાઓને જવાબદાર ઠરાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને તેમની સામે પ્રતિબંધ લાદવા અંગે વિચાર કરી રહ્યા છીએ. અમેરિકા આ મામલા અંગે સંયુક્ત રાષ્ટ્રની સાથે તેના માનવાધિકાર હાઇ કમીશનરની સાથે વાત કરીને આ મામલાને નોંધપાત્ર રીતે ઉઠાવવાનો પ્રયાસ કરીશું. નોંધનીય છે કે ચીનના સમગ્ર શિનજિયાંગ ક્ષેત્રમાં ૧૦ લાખથી વધુ તુર્કી મુસ્લિમોને રાજકીય શિક્ષણ આપવાના નામે અટકાયત હેઠળ ગાંધી રાખવામાં આવ્યા છે.