પટના, તા. ૪
આઇઆઇટી અને અન્ય ટેકનિકલ કોર્ષ માટે લઘુમતી સમુદાયના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તૈયાર કરવા આઇઆઇટી જેવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં પહોંચવા માટે ગરીબ પરિવારના બાળક માટે મફત ચાલતા કોચિંગ સેન્ટર સુપર-૩૦ સાથે સઉદીના એનઆરઆઇએ હાથ મિલાવ્યા છે. સઉદ અરબમાં બિહાર ફાઉન્ડેશનના ચેરમેન અને ઉદ્યોગપતિ ઓબેદુર રહેમાન રહેમાન-૩૦ નામનું સંગઠન બનાવ્યું છે જે લઘુમતી સમુદાયના સ્ક્રીનિંગ ટેસ્ટથી ટોચના ૩૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરશે. આ તમામ વિદ્યાર્થીઓને સુપર-૩૦ના સંસ્થાપક ડાયરેક્ટર આનંદકુમાર દ્વારા મફતમાં કોચિંગ આપવામાં આવશે.
વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રહેમાને જણાવ્યું હતું કે, કોચિંગ સેન્ટરમાં સખત તાલિમ દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્ષમ બનાવવા પર ભાર મુકવામાં આવશે. લઘુમતીઓને આ સેવાની આજે ખુબ ખોટ વર્તાઇ રહી છે. તેઓ ક્વોલિટી ટેકનિકલ અને નોકરીલાયક શિક્ષણ મેળવી શકતા નથી કારણ કે, તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, રહેમાન અને સુપર-૩૦ની પહેલ જીવનમાં આગળ વધવા માટે લઘુમતી સમુયદાયના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તક આપશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ૨૦૧૪-૧૫ના આંકડા દર્શાવે છે કે, લઘુમતી સમાજના લોકો તમામ સમાજમાં સૌથી નીચે છે જ્યારે તેમના શિક્ષણમાં પણ ફક્ત ૪.૪ ટકાનો વધારો થયો છે જ્યારે મુસ્લિમોમાં બાળકોના ભણતર છોડાવવાનું પ્રમાણ સૌથી વધુ ૧૭.૬ ટકા છે. પટનાની મુલાકાતે આવેલા રહેમાને જણાવ્યું કે, આજે સમાજને અર્થપૂર્ણ માર્ગ આપવાનો સમય છે. જે માટે શિક્ષણ જ એક માર્ગ છે અને આજની જનરેશનમાં પરિવર્તન લાવવા માટે હું સુપર-૩૦માં આશા રાખી રહ્યો છું. તેમણે જણાવ્યંું કે, એક ગરીબ અને અશિક્ષિત તબક્કામાંથી બહાર આવેલા અરબાઝ આલમ કે જેણે આઇઆઇટીમાં ઝુકાવ્યું તેના જેવા વિદ્યાર્થીને જ્યારે જોવું છુું ત્યારે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની વધુ પ્રેરણા જાગે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી સુપર-૩૦માંથી તાલીમ પામેલા ૪૦૦ વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં પ્રવેશ મેળવી ચૂક્યા છેે.