(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૬
પ્રાંતિજ પંથકના ગામોના બોરવેલ-કૂવાઓના રિચાર્જના મુખ્ય કેન્દ્ર સમાન લીમલા ડેમ છેલ્લાં અગિયાર વર્ષથી ખાલીખમ હતો. જે અંગે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇને ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે હાલ ડેમમાં પાણી આવતા આજે તેના વધામણા કરવામાં આવ્યા હતા.
પ્રાંતિજના લીમલા ખાતે અંગ્રેજોના સમયમાં બનાવેલ ડેમ છેલ્લાં અગિયાર વર્ષથી સુજલામ સુફલામ કેનાલને લઈને ખાલીખમ હતો. જેથી આજુબાજુના ૩પ જેટલા ગામોને સિંચાઇના પાણીની સમસ્યાઓ ઊભી થઇ હતી. જેને લઈને ગ્રામજનો દ્વારા પ્રાંતિજ-તલોદના કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને રજૂઆતો કરવામાં આવતાં ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં તથા સંબંધિતોને લેખિત રજૂઆતો કરી રૂા. ૧૦ કરોડ મંજુર કરાવ્યા હતા. જેના પગલે સુજલામ સુફલામ કેનાલમાં સાઇફન બનાવી, ગેટ મૂકી ડેમમાં પાણી નાખવાનું કામ કરાવાયું હતું. દરમિયાન ચાલુ સાલે વરસાદ પડતાં ડેમની સપાટી ૨૪ ફુટમાંથી ૧૨ ફુટ સુધી પાણી ભરાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને લીમલા, કતપુર સહિતના ૩૫ ગામોના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા પાણીના વધામણા સાથે કતપુર ખાતે આવેલ મહાકાલી મંદિર ખાતે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા નો સન્માન સમારોહ રાખ્યો હતો. જેમાં મહેન્દ્રસિંહ બારૈયા, કોંગ્રેસના જીલ્લા પ્રમુખ મણીભાઇ પટેલ, શહેર પ્રમુખ અમરીશભાઇ પટેલ, તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, બીપીનભાઇ પટેલ, સુરેશભાઇ રાઠોડ, વિષ્ણુભાઇ પટેલ, બેચરસિંહ રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનો, ગ્રામજનો, ખેડૂતોએ હાજર રહી ફૂલહાર પહેરાવી ધારાસભ્ય બારૈયાનું સન્માન કર્યું હતું.