પ્રાંતિજ, તા. ૧૦
પ્રાંતિજ ખાતે ભારત બંધના એલાનને પગલે બજાર બંધ જોવા મળ્યા હતા. જ્યારે ભાખરિયા વિસ્તારમાં બજાર ખુલ્લું રહેતા કોંગ્રેસના કાર્યકરો, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના આગેવાનો દ્વારા બજાર બંધ કરાવાયું હતું.
પ્રંતિજ ખાતે બંધના એલાનને લઈને સવારથી જ બજારો બંધ રહ્યા હતા જ્યારે ભાખરિયા વિસ્તારમાં બજાર ખુલ્લું રહેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પાસ કન્વિનર અનિલ પટેલ, રેખાબેન સોલંકી, પૂર્વ કોર્પોરેટરો, મોહંમદ ખાલીક કારખુન, અલતાફમિયાં કસબાતી, મોહંમદ સફી ચામડાવાળા તેમજ સહદ એહમદ ભાળાવાળા, નિરૂબેન પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. જ્યારે પ્રાંતિજના પી.આઈ. કે.બી. પટેલ દ્વારા વહેલી સવારથી જ પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બંધ કરાવવા નિકળેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના કોંગ્રેસના ૩૦ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો કોંગ્રેસ મહિલા કાર્યકરો દ્વારા સરકારના છાજીયા લઈને રોષ વ્યક્ત કર્યો હતો.