(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૫
સાબરકાંઠાના પ્રાંતિજ નગરનો અલગારી જીવ જેને નાના-મોટા સૌ ડોસભાઈના હુલામણા નામે જાણતા હતા તે સદા શુટ-બુટ અને ટાઈમાં ફરતા આ મસ્ત જીવ ડોસભાઈનું ૭૫ વર્ષની જૈફ વયે નિધન થયું છે. હંમેશા હસતા અને હસાવતા આ શખ્સે પોતાના મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી બીજાના જીવનમાં ખુશી આપવાનું પગલું ભર્યું છે. મૃતકને પુત્ર ન હોઈ પુત્રીઓએ ભારે હૈયે અને ભીની આંખે કાંધ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજ ઉડીફળી લાલ દરવાજા ખાતે રહેતા મોદી દશરથલાલ શિવરામ કે જેઓ ડોસભાઈના હુલામણા નામથી જાણીતા હતા. એકલવાયું જીવન જીવતા આ અલગારી શખ્સે બધા દુઃખ ભુલીને બસ બધાને હસાવતા હતા. જેઓનું ૭પ વર્ષની ઉંમરે અવસાન થતાં ચક્ષુદાન તથા દેહદાન કરવામાં આવ્યું હતું તો હિન્દુ પ્રમાણે સગા-સંબંધીઓ દ્વારા ઘરની બહાર સુધી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમની ત્રણ પુત્રીઓ તથા એક ભાણી દ્વારા કાંધો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે જાયન્ટ ગ્રુપના સહયોગથી હિંમતનગર ખાતે તેમનો દેહ મોકલી આપવામાં આવ્યો હતો. તેઓ જીવ્યા ત્યાં સુધી હંમેશા શુટ-બુટ અને ટાઈમાં ફરતા જોવા મળ્યા હતા અને લોકોને હસાવતા હતા તે મોત પછી પણ ચક્ષુદાન તથા દેહદાન કરી બીજાને મદદરૂપ થયા. તેઓની અંતિમ યાત્રામાં સગા-સંબંધીઓ, સમાજના લોકો, નગરપાલિકા પ્રમુખ નિરવભાઈ પરીખ, જાયન્ટસ ગ્રુપ તથા આજુબાજુ રહેતા લોકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.