(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
ક્રાઈમ બ્રાંચે બે હજારની દરની એક કરોડની ડુપ્લીકેટ ચલણ નોટના રેકેટનો પર્દાફાશ કરી ખેડા જિલ્લાના અંબાવ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત પાંચ જણાની ધરપકડ કર્યા બાદ અનેક હકીકત બહાર આવી રહી છે.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ બાતમીના શનિવારે રાત્રે કામરેજથી કડોદરા જતા રસ્તા પરથી પ્રતિક દિલીપ ચોડવડિયાને પકડી પાડી રૂા.૪.૦૬ લાખની રૂા.૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં ખેડા જિલ્લાના અંબાવ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના રાધારમણ સ્વામી સહિત અન્ય આરોપીઓના નામો બહાર આવતા પોલીસ ચાેંકી ઊઠી હતી અને એક ટીમ બનાવી સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં આવેલા રાધારમણ સ્વામીના ઓરડામાં રેડ કરી ત્યારે નકલી નોટ છાપવાની સાધન સમાગ્રી મળી આવી હતી. આ સાથે જ રૂા.૫૦ લાખની કિંમતની નકલી નોટ હાથ લાગી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચે સમગ્ર ડુપ્લીકેટ નોટના માસ્ટર માઈન્ડ પ્રવિણ જેરામ ચોપડા, કાળુ પ્રવિણ ચોપડા અને મોહન માધવ વાધુરડે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવરાત્રિથી નોટ છાપવાનું શરુ કરીને દીવાળી સુધી નોટ છાપી હતી. જો કે, ત્યારબાદ નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને હાલમાં તમામે ભાગમાં આવતી રકમની વહેંચણી પણ કરી લીધી હતી.
પ્રવિણ ચોપડા સમગ્ર કેસમાં માસ્ટર માઈન્ડ છે, તેનો સ્વામી રાધારમણનો સંપર્ક મોહન વાધુરડે મારફતે થયો હતો. મોહન સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા માટે જાય છે. જેથી મોહને સ્વામી સાથે પરિચય કરાવતા જણાવ્યું હતું કે, પ્રવિણ જમીન દલાલીનું કામ કરે છે અને સેવાભાવી માણસ છે જેથી મંદિર ડેવલોપ કરવા માટે આર્થિક સહયોગ કરી શકે છે. પ્રવિણ અને મોહન પહેલાં સુરતમાં સાથે હીરા કારખારનામાં હીરા ઘસવાની મજૂરી કરતા હતા ત્યારથી બંને વચ્ચે મિત્રતા છે.