અમદાવાદ,તા.૧૩
ફિક્સ પગારના કર્મચારીઓ, ખેડૂતો, આંગણવાડી અને આશાવર્કર બહેનો સહિતના કર્મચારીઓ માટે સરકાર સામે જબરદસ્ત લડત અને આંદોલન ચલાવનાર જન અધિકાર મંચના યુવા નેતા પ્રવીણ રામે ગઇકાલે મોડી સાંજે રાહુલ ગાંધી સાથે મુલાકાત બેઠક યોજી હતી. જેમાં પ્રવીણ રામ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓ, ખેડૂતો, આંગણવાડી-આશાવર્કર બહેનો સહિતના મુદ્દે રાહુલ ગાંધીને વિગતવાર રજૂઆત કરી હતી. જે અંગે રાહુલ ગાંધીએ પ્રવીણ રામ સહિતના આગેવાનોને હકારાત્મક હૈયાધારણ આપી હતી. રાહુલે તેમના મુદ્દાઓને જેન્યુઇન અને ચૂંટણી ઢંઢેરામાં સમાવાય તેવા ગણાવ્યા હતા. જો કે, ચૂંટણી ઢંઢેરાની મહત્વની કામગીરી સામ પિત્રોડા સંભાળતા હોવાથી હવે પ્રવીણ રામ અને તેમના સાથીઓ આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા સાથે મુલાકાત કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવા સાથે જાણે બધી જ તાકાત લગાવી દીધી છે અને ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે અનેક નિર્ણયો અને તડજોડ થઇ રહ્યા છે. જેમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં ખેંચી લેવામાં તો કોંગ્રેસને સફળતા મળી ગઇ છે. એ પછી તાજેતરમાં જ રાહુલ ગાંધીની દલિત નેતા જીગ્નેશ મેવાણી સાથે પણ બેઠક યોજી કોંગ્રેસ તરફી પલ્લું ભારે કરવામાં સફળતા મેળવાઇ અને હવે જન અધિકાર મંચના યુવા નેતા પ્રવીણ રામને પોતાની છાવણીમાં બેસાડવાના પ્રયાસો કોંગ્રેસે હાથ ધર્યા છે. ગઇકાલે મોડી સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને જન અધિકાર મંચના યુવા નેતા પ્રવીણ રામ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જો કે, સામ પિત્રોડા સાથેની આવતીકાલની તેમની બેઠક મહત્વની મનાઇ રહી છે કારણ કે, તેમના મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની વાત છે.