(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ યુવા નાવિકોના સહારે નૈયા પાર કરવાની આશા માંડીને બેઠેલી કોંગ્રેસની નૈયામાં ચોથો નાવિક સવાર થયો છે. પરિણામે ગોથા ખાઈ રહેલી કોંગ્રેસની નૈયા હવે ધીમે ધીમે મક્કમ ગતિએ આગળ વધી રહી છે. ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકે પણ ભલે કોંગ્રેસમાં જોડાવા ઈન્કાર કર્યો હોય પરંતુ પાસના આગેવાનોને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા છૂટ આપી છે. એ જ રીતે જીજ્ઞેશ મેવાણી પણ હાલ કોંગ્રેસને સમર્થન આપવા હાર્દિકને પગલે ચાલ્યો છે હવે લડાયક નેતા પ્રવિણરામે કોગ્રેસમાં જોડાવાના સંકેત આપતા ચાર યુવા સેનાપતિઓ તેમની નૈયા પાર કરાવશે. તેવી આશા કોંગ્રેસના નેતાઓ સેવી રહ્યા છે કોંગ્રેસની નવસર્જન યાત્રાને લઈને કોગ્રેસના નેતાઓ હાલ દક્ષિણ ગુજરાતમાં છે. દરમ્યાન સુરતની એક હોટલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત તથા પ્રવિણરામ વચ્ચે બેઠક થઈ હતી. પ્રવિણરામ કર્મચારીઓ, ખેડૂતો, બેરોજગારી યુવાનો, આંગણવાડી, આશાવર્કર બહેનો, ફિકસ પગારદારો તથા કોન્ટ્રાકટ પધ્ધતિથી નોકરી કરતા વર્ગ માટે લડત ચલાવતા દમદાર નેતા છે. જેઓ જનઅધિકાર મંચના અગ્રણી છે આ પ્રવિણરામની કોંગ્રેસ આગેવાનો સાથેની બેઠક ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
સુરત ખાતે પ્રવિણરામ કોંગ્રેસ નેતાઓ સાથેની બેઠકમાં ખેડૂતો, બેરોજગારો, કર્મચારીઓના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી આ બેઠક બાદ ટૂંક સમયમાં પ્રવિણરામ સાથે કોંગ્રેસની બીજી બેઠક પણ ગોઠવાય તેવી શકયતા છે. પ્રવિણરામ આંદોલનમાં સૌથી વધારે સફળતા મેળવનાર નેતા છે સમાજના મોટા ભાગના શોષિત વર્ગ પર તેમની મજબૂત પકડ છે. આથી આગામી ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી બાદ પ્રવિણરામ પણ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. આથી જો પ્રવિણરામ કોંગ્રેસને ખુલ્લું સમર્થન જાહેર કરે તો કોંગ્રેસને ચૂંટણીમાં વધુ ફાયદો થઈ શકે તેમ છે.