(એજન્સી) અયોધ્યા, તા. ૨૩
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં સંકલ્પ સભા યોજીના નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકોએ રામના નામે ચૂંટણી લડી તેઓ હવે સત્તા મળતા જ રામને ભૂલી ગયા છે. તેમણે પોતાના સમર્થકો માટે ‘અબકી બાર હિંદુઓ કી સરકાર’નું સૂત્ર આપ્યું હતું. પાર્ટીના એલાન સાથે જ તોગડિયાએ લોકસભા ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે. નવી પાર્ટીના નામની જાહેરાત દિલ્હીમાં થશે. તોગડિયાએ સત્તામાં આવ્યા બાદ તમામ હિંદુઓને ભોજન, શિક્ષણ તથા રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમારા પૂર્વજોએ સમૃદ્ધ ભારત, સમૃદ્ધ હિંદુનો નારો આપ્યો હતો પણ સત્તામાં બેઠેલા હિંદુ હિતોની વાત ભૂલી ગયા અને મસ્જિદોમાં જાય છે. અમે રામ મંદિર નહીં તો વોટ નહીંનો નારો લઇને જાગૃતિ ફેલાવીશું અને કેન્દ્રમાં હિંદુઓની સરકાર બનાવવા માટે કામ કરીશું. તોગડિયાએ મુસ્લિમોની વસ્તી પર નિયંત્રણ લગાવવાની વાત પણ કરી હતી. આ પહેલા તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે અયોધ્યામાં રામકોટની પરિક્રમા દરમિયાન અથડામણ થઇ હતી. દરમિયાન સમર્થકોને અંકુશમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. કાર્યકરો પરિક્રમા માર્ગ બદલવા અંગે નારાજ હતા અને પોલીસ સાથે અથડામણ સર્જી હતી જેના કારણે થોડીવાર માટે અરાજકતા ફેલાઇ હતી. આ દરમિયાન કાર્યકરોએ મોદી વિરોધી નારા પણ લગાવ્યા હતા. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ કૂમક તૈનાત કરવામાં આવી હતી.