નવી દિલ્હી,તા.૨૨
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વહેંચી હતી કે નહીં’, આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મુદ્દો પર એક સમયે નરેન્દ્ર મોદી સાથે કામ કરનાર પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ વડા પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો છે કે તેઓ નરેન્દ્ર મોદીને ૪૩ વર્ષથી ઓળખે છે, પરંતુ તેમણે ક્યારેય તેમને ચા વહેંચતા જોયા નથી. તોગડિયાએ દાવો કર્યો છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને બીજું કંઈ નહીં.
મીડિયા સાથે વાત કરતા તોગડિયાએ કહ્યું કે મેં ડૉક્ટરીનો અભ્યાસ કર્યો છે, જો તમે મારા મિત્રો અથવા મારા નજીકના લોકોને પૂછશો તો તેમની પાસેથી પણ આ વાતના પુરાવા મળી જશે, પરંતુ નરેન્દ્ર મોદીના ’ચા વહેંચવાના’ દાવાને કોઇ સાબિત નહીં કરી શકે.
તેમણે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ-આરએસએસની રામ મંદિર બનાવવાની કોઈ ઇચ્છા નથી.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના ભૈયાજી જોશીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી પાંચ વર્ષમાં પણ રામ મંદિર નહીં બને. આ બંને સંગઠનોએ દેશના લોકોને અંધારામાં રાખ્યા છે, પરંતુ હવે હિન્દુ જાગી ગયા છે. આ દરમિયાન તેમણે એલાન કર્યું કે તેઓ ૯ ફેબ્રુઆરીના રોજ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે અને જો તે પાર્ટી સત્તામાં આવશે તો સંસદમાં કાયદો લાવીને રામ મંદિરનું નિર્માણ કરાશે.
નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જો તેઓ ટ્રિપલ તલાક બિલ માટે મધ્ય રાત્રિએ કાયદો લાવી શકે છે, તો પછી મંદિર માટે કેમ નહીં. જો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો તેઓ મંદિર નહીં બનાવે.