અમદાવાદ,તા.રર
વિશ્વ હિન્દુ પરિષદમાંથી છુટા પડેલા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી, બાદ તેમણે હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના કરીને રાજકારણમાં પ્રવેશેલા પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં ૧પ બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તોગડિયાએ દાવો કર્યો કે, નવ મહિના પહેલાં હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના થઈ અને ૪૦ દિવસમાં ૧રથી વધારે રાજયોમાં ૧૦૦થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.
મળતી વિગતો પ્રમાણે પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાંથી ૧પ બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તોગડિયાએ પોતાનો ચૂંટણી લડવાનો નિર્ણય કાર્યકરો પર છોડયો છે. વળી તોગડિયાએ દાવો કર્યો કે તેમને કાશી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવા માટે કહેવાઈ રહ્યું છે. પરંતુ કાર્યકરો તોગડિયા (માર)નું ભાવિ નક્કી કરશે. વધુમાં પ્રવિણ તોગડિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ દેશ ભકિતની વાત છોડી રાષ્ટ્રવાદની વાત કરવા લાગી છે તથા ભાજપ સરકારે ખેડૂતોને સ્વામીનાથન આયોગના લાભો ન આપ્યા, એટલું જ નહીં ભાજપે જીએસટી બાદ દેશના અર્થતંત્રની હત્યા કરી નાખી છે. હવે જોવું એ રહ્યું કે પ્રવિણ તોગડિયા ગુજરાતમાંથી કઈ-કઈ બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉતારે છે અને પોતે લોકસભા લડવાના છે કે, નહીં તે પણ હજી સ્પષ્ટ નથી. વળી ગુજરાતની પ્રજા ત્રીજા મોરચા એટલે કે હિન્દુસ્તાન નિર્માણ દળને સ્વીકારે છે કે કેમ ?? તે જોવું રહ્યું.