(એજન્સી) તા.૨૫
બીજો દિવસ, એક વધુ લિંચિંગ. મોબ લિંચિંગની ઘટનાઓનું હવે વારંવાર પુનરાવર્તન થાય છે. ઘણાને મન તેની વાત કરવી એ જાણે કંટાળાજનક છે. ગમે તેમ તો પણ તેમાં નવું શું હોય છે સિવાય કે લિંચિંગનો ભોગ બનેલ વ્યક્તિનું નામ ? તેમાં જો કોઇ નવતર બાબત જોવી હોય તો આપણે તેની પદ્ધતિ દ્વારા જોઇ શકાય. જેમ કે તેમણે ક્યા શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. લાકડી કે તલવાર ? તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો કે હોસ્પિટલમાં ? તે ખરેખર ટોળું હતું કે માત્ર બે જ વ્યક્તિ ? શું ગૌરક્ષકો ખરેખર ગુસ્સે ભરાયેલા હતા ? કઇ રીતે રકબર ખાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તેની વિગતો અંગે તમે જાણશો તો તમારું પણ લોહી ઉકળી ઉઠશે. તેમાં ભાજપના પ્રધાનો અને નેતાઓના કપટ જોવા જેવા છે. રાજસ્થાનના ગૃહપ્રધાન કહે છે કે આ કસ્ટડીમાં મૃત્યુનો કિસ્સો હોઇ શકે. આમ તેઓ રકબરના હુમલાખોર ગુંડાઓનો બચાવ કરી રહ્યા છે એ વાત સ્પષ્ટ છે. પોલીસની નિષ્કાળજી સ્પષ્ટ છે.
બીજા પ્રધાન મુસ્લિમોને ગાયોની તસ્કરી બંધ કરવા અપીલ કરે છે. પ્રત્યેક હત્યા બાદ કંઇક કહો એવી માગણીથી ઉબ આવી ગયેલા ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે પ્રત્યેક ઘટના બાદ હું નિવેદન જારી કરુ એવી અપેક્ષા રાખવી નહીં. આ સરકારના સદ્‌ગૃહસ્થો અને મહિલાઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનો પણ જોવા જેવા છે. રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યા બાદ મૃતક રકબર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાના બદલે તેમણે તેના પર નફરત ભડકાવવાનો આક્ષેપ કર્યો હતો. હવે જો તમે હત્યાને વખોડી કાઢો અને હિંસાની સંસ્કૃતિને પણ વખોડી કાઢો તો તમે નફરતના વેપારી બની જાવ છો. મુસ્લિમ રકબરખાનની હત્યાના એક દિવસ બાદ આરએસએસના ઇન્દ્રેશકુમારે જણાવ્યું હતું કે બીફ ખાવાનું બંધ કરશો તો મોબ લિંચિંગ આપોઆપ બંધ થઇ જશે. એવામાં એક બીજા કેન્દ્રીય પ્રધાને એવું નિવેદન કર્યુ છે કે વર્તમાન વડાપ્રધાનની લોકપ્રિયતા જેટલી વધશે એટલી આ પ્રકારની હત્યાઓ પણ વધશે. આમ મોબ લિંચિંગને યોગ્ય રીતે યથાર્થ ઠરાવવાની કોશિશો થઇ રહી છે. મોબ લિંચિંગ માટેનો આધાર જે રીતે મજબૂત કરાયો છે તે જોતાં હવે પીડિત પર દોષનો ટોપલો ઢોળવો એ એક નવી વાત બની ગઇ છે.