જળ એટલે જીવન. પૃથ્વી પર વાયુની સાથે જળ છે. એટલે જ જીવન સંભવ છે. કુદરતની આ અનમોલ ભેટનો વેડફાટ માનવજાતને વિનાશ તરફ નોતરી જશે અને ત્રીજુ વિશ્વ યુદ્ધ જળના કારણે થશે એવી આગાહીઓ પણ અમુક નિષ્ણાંતો કરી ચૂક્યા છે. આમ તો જળ એ સૂર્યપ્રકાશ અને હવાની જેમ કુદરતે આપેલી અમૂલ્ય છતાં મફત ભેટ છે. જો કે શહેરોમાં વસતા લોકો, કે ઘર સુધી નળ વાટે પાણી સરળતાથી મળી રહે તે માટે લોકો પાણીનું બિલ ભરે છે. આમ છતાં હજુ અનેક રાષ્ટ્રોમાં પાણી ઘર સુધી વિનામૂલ્યે પહોંચતું કરવામાં આવે છે. અગાઉ સફરે નિકળતો માનવી ગમે તે નદી, નાલા, ઝરણામાંથી ખોબો ભરીને પાણી પી લેતો, કે કૂવામાંથી સીંચી લેતો. સમય બદલાયો. એ સાથે સાધન પણ બદલાયા. પછીથી સાથે વોટર બોટલ્સ, જગ, કૂંજા લઈ જવાનો રિવાજ શરૂ થયો અને આજે સ્થિતિ એ છે કે શોપિંગ મોલથી માંડીને સડક અને રેલવે સ્ટેશનથી માંડીને રેસ્ટોરન્ટ સુધી દરેક જગ્યાએ પાણીની બોટલ તૈયાર મળી રહે છે. અમુક રૂપિયા ચૂકવો અને સાફ પેયજળ ઉપલબ્ધ થાય છે. પરંતુ જ્યારે કોઈપણ વસ્તુનો વેપાર શરૂ થાય ત્યારે તેની કિંમત પણ નક્કી કરાતી હોય છે. કમનસીબે આપણા દેશમાં આ કિંમત જુદા જુદા સ્થળે જુદી જુદી છે. રેસ્ટોરન્ટમાં, રેલવે સ્ટેશન પર, ટ્રેનની અંદર, બસમાં કે પછી મલ્ટી પ્લેક્સમાં પાણી વેચનારાઓ પોતાની સગવડ અને ગ્રાહકની ગરજ મુજબ એક લીટર પાણીની બોટલના ૧ર રૂા.થી માંડીને ૩૦ રૂા. સુધી વસૂલે છે. આ એક સત્ય હકીકત છે અને આ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલુ હતી. આ અંગે તાજેતરમાં જ એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

હવેથી હોટેલો, થિયેટરો, એરપોર્ટ કે મોલમાં પાણીના મનફાવે તેવા ભાવ વસૂલ કરી શકાશે નહીં. મિનરલ વોટર બોટલ તમામ સ્થળે એક જ રેટમાં મળશે. મતલબ કે તેના માટે એકસ્ટ્રા પૈસા તમારે આપવા પડશે નહીં. ગ્રાહક બાબતના મંત્રાલયમાં અલગ અલગ સ્થળોએ પાણીની બોટલના ભાવ અલગ અલગ રાખીને લોકોની સાથે છેતરપિંડી થતી હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. મિનરલ વોટર બોટલ બનાવતી કંપનીઓ અલગ અલગ કિંમત છાપીને લોકો પાસેથી બેફામ પૈસા વસૂલ કરતી હતી. મંત્રાલયે કંપનીઓ પાસેથી આ અંગેનો જવાબ પણ માંગ્યો છે. કંપનીઓ એક લીટરની બોટલ પર રૂપિયા પ૦-૬૦ વસૂલે છે. વાસ્તવમાં તેની કિંમત રૂા.૧૦-૧પ હોય છે.

ભારતમાં પાણીના વેપારની બાબતમાં જોવા મળતા વૈવિધ્યનું આ તો એક નાનકડું ઉદાહરણ જ છે. એવા પણ દાખલા છે કે ચાલુ ટ્રેને ચડી આવતા બિનઅધિકૃત ફેરિયાઓ દ્વારા અને રેલવે પ્લેટફોર્મ પર અધિકૃત સ્ટોલ પર મળતી એક જ બ્રાન્ડની પાણીની બોટલના ભાવમાં ફરક હોય. રેસ્ટોરામાં તો ગ્રાહકો જમવા જાય એટલે વેઈટર તેમને બેશરમીથી પૂછે છે કે રેગ્યુલર વોટર જોઈએ કે મિનરલ વોટર તેનો મતલબ શું ગ્રાહકે એમ સમજવાનો કે રેગ્યુલર વોટર કોઈ ઉતરતી કક્ષાની ક્વોલિટીનું હશે. આ જ હોટલોમાં વોટર બોટલનો પણ ઓર્ડર આપનારા ગ્રાહકો બિલને ઝીણવટથી વાંચવાની દરકાર લેતા નથી. એટલે એમને ખ્યાલ હોતો નથી કે તેમની પાસેથી વોટર બોટલના એમઆરપી ઉપર સર્વિસ ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે.

પાણીના ભાવની બાબતમાં આવી અંધાધૂંધી વિશ્વના ભાગ્યે જ અન્ય કોઈ દેશમાં ચાલતી હશે. વાસ્તવમાં પાણી કુદરતી સંપત્તિ છે અને તેના પર જીવમાત્ર, યાદ રહે કે માનવમાત્ર નહીં પરંતુ જીવમાત્રનો એક સરખો અધિકાર છે. આજથી થોડા દાયકાઓ પહેલાં કોઈએ એવું કહ્યું હોત કે આવનારા સમયમાં પાણી પાઉચ કે બોટલમાં પેક થઈને વેચાશે તો એવું બોલનારાને નજીકની પાગલોની હોસ્પિટલમાં ભરતી કરી દેવાયો હતો. પરંતુ પાણીનો વેપાર થાય છે એ આજની કડવી વાસ્તવિકતા છે અને આ વેપારમાં પણ તમામ પ્રકારની અનૈતિક રીતરસમો અજમાવવામાં આવે છે તે એનાથી પણ વરવી હકીકત છે.

કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે એરપોર્ટ, મોલ્સ તથા રેલવે સ્ટેશનો પર એક જ બ્રાન્ડની વોટર બોટલ અલગ અલગ ભાવે નહીં વેચી શકાય. તેનો મતલબ શું એમ સમજવાનો કે અલગ અલગ બ્રાન્ડનેમ હેઠળ જુદા જુદા ભાવ લેવાનો કંપનીને હક્ક છે. એક જ કંપની એક જ પ્લાન્ટમાંથી અલગ અલગ પેકેજિંગની બોટલો બજારમાં મૂકે તો કોણ ચેક કરવા જવાનું હતું. કેન્દ્ર સરકારે ફરિયાદ કરવાની જવાબદારી પણ ગ્રાહકો પર ઢોળી છે. ટૂંકમાં સરકારી આદેશના અમલના નામે પાણીનું નામ ભૂ પુરવાર થવાની વકી વધારે છે.