(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. એક તરફ સાથીપક્ષો સતત ભાજપ પર નિશાન સાધી રહ્યા છે, તો હવે વડાપ્રધાન મોદી પર પણ સવાલ ઉઠવાનું શરૂ થયું છે. સિક્કિમની એકમાત્ર લોકસભા બેઠક પરથી સાંસદ પ્રેમદાસ રાયે ક્હ્યુ છે કે વડાપ્રધાન મોદીનો કરિશ્મા હવે ધુંધળો પડવા લાગ્યો છે અને વિપક્ષી દળોનું મહાગઠબંધન આકાર લઈ રહ્યું છે, તો ભાજપ માટે ૨૦૧૯માં સત્તાવાપસી મુશ્કેલ થશે. પ્રેમદાસ રાયની પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ કેન્દ્રમાં સત્તારુઢ એનડીએનો હિસ્સો છે. મહત્વપૂર્ણ છે કે એક તરફ ભાજપ પૂર્વોત્તરની તમામ ૨૫ લોકસભા બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. તેવામાં અહીંથી એક સાથીપક્ષના સાંસદ દ્વારા આવું નિવેદન ભાજપ માટે આંચકારૂપ માનવામાં આવે છે. સિક્કિમના સાંસદ પ્રેમદાસ રાયે કહ્યું છે કે તેઓ એક પ્રાદેશિક પાર્ટી તરીકે આગામી ચૂંટણી જરૂરથી જીતશે, પરંતુ રાષ્ટ્રીય પરિદ્રશ્યને જોતા તેમને લાગે છે કે મોદીનો કરિશ્મા ધુંધળો બન્યો છે. ભાજપે જેવી રીતે ભેદભાવની નીતિની સાથે કેમ કર્યું છે. તેના પરિણામ હવે સામે આવી રહ્યા છે. બે ટર્મથી સાંસદ પ્રેમદાસ રાયે કહ્યુ છે કે સંસદની કાર્યવાહી નહીં ચાલવી તેમના જેવા નાના પક્ષોને અસર કરી રહી છે અને તેમના અધિકારોને મોટા પક્ષો દ્વારા કચચડવામાં આવે છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સારા પ્રદર્શન મામલે પ્રેમદાસ રાયે કહ્યુ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગળાકાપ મુકાબલો હશે અને જો મહાગઠબંધન આકાર લેશે, તો ભાજપ માટે આ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. પ્રેમદાસ રાયે કહ્યુ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહીતના તમામ પક્ષોની અંદર જોરશોરથી મંથન ચાલી રહ્યું છે. એસડીએફના સાંસદે ભારપૂર્વક કહ્યુ છે કે જનતા અને બુદ્ધિજિવી વર્ગ સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓમાં કથિતપણે મોદી સરકાર દ્વારા અપનાવાયેલી આક્રમક રીતભાતને કારણે બિલકુલ ખુશ નથી.