અમદાવાદ, તા.ર૪
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે ખેડૂતો, ખેતરો, રસ્તાઓ, ઘરવખરી તથા જાનમાલનો ભારે નુકસાન પહોંચ્યું છે. ૩ર માનવો અને ૧પ૯થી વધુ પશુઓના મોત નિપજ્યા છે. ત્યારે રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરાવી કેશડોલ્સ માનવ મૃત્યુ તથા પશુ મૃત્યુ સહાય ચુકવવા પાકવીમો તુરત જ મંજૂર કરવા ખેડૂતોને આપેલ પાકધિરાણ માફ કરવા તથા નવું પાકધિરાણ આપવાની કાર્યવાહી વહેલી તકે આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી માગણી કરી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેડૂતોની જમીનોના ધોવાણ સાથે બે-બે વાવણી અને ઊભો પાક નિષ્ફળ હોવાથી તમામ સરકારી દેવા માફ કરવાની માગણી કરી. આ આફતગ્રસ્ત વિસ્તારોમાં પાંચ-પાંચ દિવસ સુધી નહીં ફરકનાર સરકારી તંત્ર સામે અસરગ્રસ્તોમાં ભારે રોષ હોવાનું જણાવતા પરેશ ધાનાણીએ માનવ-પશુ મૃત્યુ, ઘરવખરી, પાક, વગેરેના નુકસાનમાં ૧૦૦ ટકા વળતર મળે તેની નીતિ ઘડવા સાથે યુદ્ધના ધોરણે સહાય-સેવાકાર્ય કરવા અનુરોધ કર્યો છે. આ પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાન ઝૂપડા ધરાસાયી થવા સાથે ઘરવખરી અને અન્ય માલસામાન તણાઈ ગયા છે. જ્યારે ખેડૂતોને પ્રથમ વાવણી નિષ્ફળ જવા સાથે ભારે વરસાદમાં જમીનો અને ઊભો પાક ધોવાઈ જવાથી આગામી પાંચ વર્ષ સુધીની સમસ્યા સર્જાઈ છે. આ બિહામણા સ્વરૂપમાં સરકારી તંત્ર કે ભાજપના એક પણ આગેવાન ફરક્યા નહીં હોવા સામે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે તાત્કાલિક સર્વે કરાવી વળતર ચુકાવવા રજૂઆત કરી છે. કેશડોલ્સ અને મૃત્યુ સહાય સત્વરે ચુકવવા સાથે સરકારી દેવા માફ કરી નવા પાક ધિરાણ આપવાનું તથા ધોવાઈ ગયેલી જમીનોમાં પડતર ખરાબાની જમીનમાંથી માટી લેવાની છૂટ આપીજમીન ધોવાણ માટે સહાય આપવી જોઈએ. વિપક્ષના નેતાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કરોડો રૂપિયાના ઓનપેપર અયોજનથી જાનમાલને વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવતા કહ્યું છે કે સરકારે નક્કર આયોજન કરી નદીના વહેણ સાફ-ઊંડા કરાવવા ઉપરાંત નદી કાંઠે પૂર સંરક્ષણ પાળા બનાવવા જોઈએ. નદી વોકળા પરના દબાણો દૂર કરવા તેમજ બચાવ કામગીરી માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી સાધનો સહિતની કાયમી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અસરગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ચોમાસા પૂર્વે ગ્રામ્ય કક્ષાએ કરવી જોઈએ. આ સાથે સ્થળાંતર વખતે અસરગ્રસ્તોને સાત્વિક ભોજન સહિતની સુવિધાઓ માટે સરકારને નક્કર આયોજન કરવા જણાવ્યું છે.