અમદાવાદ, તા.૧૧
દેશના મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સને રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન એટલે કે ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’ ગુજરાત પોલીસને મળવા જઈ રહ્યું છે. ૧૫ ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે આ સન્માન ગુજરાત પોલીસને મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સન્માન મેળવવામાં ગુજરાત ૮મું રાજ્ય બનશે. આ અગાઉ દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ સહિત દેશની ૭ રાજ્યની પોલીસને આ સન્માન મળી ચૂક્યું છે. ગુજરાત પોલીસ માટે આ સૌથી મોટું સર્વોચ્ચ સન્માન મળશે અને દરેક પોલીસ કર્મચારી અને અધિકારીઓના યુનિફોર્મમાં હવેથી ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’નો લોગો જોવા મળશે. પોલીસ કર્મચારી- અધિકારીઓના યુનિફોર્મ પર ડાબા ખભા પર આ હવે ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’નો લોગો જોવા મળશે. જ્યારે કોઈપણ પરેડ થશે ત્યારે રાષ્ટ્રધ્વજની સાથે ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’ પણ સાથે રાખવામાં આવશે. દેશની મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સ જેને ૨૫ વર્ષ થઈ ગયા હોય તે ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’ માટે એપ્લાય કરી શકે છે. ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’ એ બાબતનું પ્રતિક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. જે પોલીસ ફોર્સ ‘પ્રેસિડેન્ટ્‌સ કલર્સ’ મેળવે છે. તે રાજ્યની પોલીસ માટે શ્રેષ્ઠ સન્માન ગણવામાં આવે છે.