(એજન્સી) તા.ર૨
નાનકડા અખાતી રાષ્ટ્ર એવા બેહરીનમાં માનવાધિકારો પરના દમન મુદ્દે ચિંતાઓ વધી રહી હોવા છતાં પણ વર્તમાન વર્ષના અંતભાગમાં પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલા બેહરીનની મુલાકાતે જશે.
આ મુલાકાતને મંજૂરી આપતા વિભાગે જણાવ્યું હતું કે અખાતમાં મહત્ત્વના સાથી એવા બેહરીન સાથે બ્રિટનના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવા માટે બ્રિટીશ સરકાર વતી નવેમ્બર મહિનામાં ચાર્લ્સ બેહરીનની મુલાકાત લેશે. બ્રિટનના બહરની સાથે લાંબા ગાળાથી સંબંધો છે અને બેહરીનમાં બ્રિટિશ સેનાનું મથક પણ આવેલ છે તથા બેહરીન દર વર્ષે બ્રિટન પાસેથી કરોડો ડોલર્સના શસ્ત્રો ખરીદે છે. આ ઉપરાંત આ બે રાજવી પરિવારો વચ્ચે વ્યક્તિગત રીતે પણ ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વર્તમાન વર્ષની શરૂઆતમાં રાણી એલિઝાબેથની ૯૦મી વર્ષગાંઠે બેહરીનના કિંગ હમદ રાણીની બાજુમાં જ બેઠા હતા જેના પરથી આ વ્યક્તિગત ગાઢ સંબંધોની પુષ્ટિ મળી રહે છે. પરંતુ આરબ સ્પ્રીંગ (આરબ બળવા)ને પગલે બેહરીનમાં વ્યાપક વિરોધો રાજવી પરિવાર સામે ફાટી નીકળ્યા બાદ રાજવી પરિવારે જે રીતે આ દેખાવોને ક્રૂરતાથી કચડી નાખ્યા હતા અને ઘણા કાર્યકર્તાઓ અને વિરોધી રાજનેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ ર૦૧૧થી આ ગાઢ સંબંધોની વધુને વધુ ટીકા કરવામાં આવી રહી છે.
હકો અને લોકશાહીની તરફદારી કરતી બેહરીન સંસ્થાના ડિરેકટર સૈયદ અહમદ અવાદેઈએ જણાવ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સની મુલાકાતના સમય એ દર્શાવે છે કે બેહરીનમાં ર૦૧૬માં મોટાપાયે કરવામાં આવેલ માનવાધિકાર ઉલ્લંઘનોને બ્રિટનના રાજવી પરિવારે ધ્યાનમાં લીધા નથી.