(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
શહેરનાં ગોત્રી ગામમાં ડેન્ગ્યુ તાવમાં પરણીત યુવાનનું આજે સવારે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મોતને ભેટેલો યુવાન છેલ્લાં એક અઠવાડિયાથી બિમાર હતો. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા, કમળાનાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. તેમ છતાં મહાનગર પાલિકાના તંત્ર દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. જેથી લોકોમાં આ યુવાનનાં મોત બાદ તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, ગોત્રી ગામનાં પટેલ ફળિયાની નાની ખડકીમાં રહેતા કૌશિકભાઇ મહેશભાઇ પટેલ (ઉ.વ.૩૧)ને છેલ્લાં એક સપ્તાહથી તાવ આવતો હતો. જે અંગે તેમને સારવાર લીધી હતી. પરંતુ તાવમાં કોઇ ફેર પડતો ન હતો. આથી તેમણે ઇલોરાપાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓના બ્લડ ટેસ્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યું હતું. આજે વહેલી સવારે ડેન્ગ્યુના રોગમાં કૌશિકભાઇનું મોત થતા પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. અને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્વચ્છતાની ગુલબાંગો ફુંકતું પાલિકા તંત્ર શહેરમાં સફાઇ કરાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
છેલ્લાં ઘણા સમયથી ગોત્રી ગામમાં દુષિત પાણી આવી રહ્યું છે. જે અંગે અનેક રજુઆતો કરવા છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેમજ ગામનાં તળાવમાં છેલ્લાં ઘણા સમયથી ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ અંગે પણ તંત્રને રજુઆતો કરવામાં આવી હોવા છતાં તળાવમાં છોડવામાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવતું નથી. ડેન્ગ્યુથી મોતને ભેટેલા કૌશિકભાઇ કન્સ્ટ્રકશન સાઇટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હતા. તેઓને ૩ વર્ષનો પુત્ર છે.