ગાંધીનગર, તા.૧૬
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧ર૮૭ ખાનગી નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે બે વર્ષમાં નવી પ્રાથમિક શાળાઓમાં એક સરકારી અને ગ્રાન્ટેડ શાળાની સરખામણીમાં ૧૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારને શિક્ષણનું ખાનગીકરણ કરવામાં જ રસ છે. ત્યારે સૌથી વધુ ખાનગી શાળાઓને મંજૂરી મળવાના લીધે શિક્ષણનો વેપાર કરનારાને બખ્ખા પડી ગયા છે. રાજ્યમાં ૩ર,પ૭૪ સરકારી, ૬૦પ ગ્રાન્ટેડ અને ૧૦,૯૪૦ ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં સરકારે ૧રર સરકારી, ૧૩ ગ્રાન્ટેડ અને ૧ર૮૭ ખાનગી નવી પ્રાથમિક શાળઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ર૧૧, સુરતમાં ૧૪૦, રાજકોટમાં ૧ર૯ પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવામાં છોટાઉદેપુરમાં ૧ર અને મહેસાણામાં એક મળીને કુલ ૧૩ જ ગ્રાન્ટેડ પ્રા.શાળાઓને મંજૂરીઓ અપાઈ છે. ત્યારે નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાના રેશિયોનો એક સરકારી અને ગ્રાન્ટેડ શાળાની સરખામણીએ ૧૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપીને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર પણ રાજ્યમાં વધતા જતા શિક્ષણના ખાનગીકરણને રોકે તે સમયની માંગ છે.