(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૬
સુરત કોંગ્રેસના લઘુમતિ કોમના અગ્રણી સ્વ. રીઝવાન ઉસ્માનીની જન્મજયંતિ પર આવતીકાલે સુરતમાં સર્વધર્મ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અન્ય ભાષા-ભાષી સેલના માધ્યમથી આ સંમેલન પાંડેસરાના વડોદ ગામના ૮૦ ફૂટ રોડ ઉપર આવેલા ડો.આંબેડકર ચોક ખાતે સાંજે ચાર વાગે યોજાનાર છે. જેમાં રાજ્યસભાના સાંસદ અને એઆઇસીસીના કોષાધ્યક્ષ અહેમદ પટેલ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજબબ્બર, મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અજય-સિંહ, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ, એ.આઇ.સી.સી.ના પ્રવકતા પ્રિયંકા ચતૂર્વેદી, મહારાષ્ટ્રના ધારાસભ્ય સુરુપસિંહ નાઇક, એઆઇસીસીના માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન નદીમ જાવેદ, લોકસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેનાર છે.
આ કાર્યક્રમને ઉપલક્ષમાં આજે સુરત પધારેલા એઆઇસીસીના પ્રવકતા પ્રિયંકા ચતૂર્વેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ગઢ બનતા બનતા ગઇ ચૂંટણીમાં રહી ગયો છે. હું ગુજરાતી મહેમાન નથી. આ મારોજ પરિવાર છે. હું ભલે મહારાષ્ટ્ર થી આવું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું એવી એક વિરલ વ્યક્તિના શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં આવી છું કે જે ગરીબો અને પરપ્રાંતીયોના મસીહા કહેવાતા હતા તેઓએ તેઓના હિતમાં ઉપલી કોર્ટોમાં ૧૬ જેટલી પીઆઇએલ કરી છે. રીઝવાન ઉસ્માનીએ સુરતના ગરીબ અને પરપ્રાંતીયો માટે જે કામ કર્યું છે એવું ભાગ્યે જ કોઇ નેતા કરી શકે એમ છે. તેઓ ભારતીય એકતાના પ્રતીક સમાન હતાં. બાદમાં તેમણે દેશની સાંપ્રત પરિસ્થિતિ અને દેશના એનડીએના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ભારે શાબ્દીક પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકારો સમક્ષ મોદી સરકારના નોટબંધી અને જીએસટીને તઘલખી દેખાવ્યો હતો, અને સાંપ્રત પરિસ્થિતિમાં દેશની આ સરકારે જે અવદશા કરી છે, તેના ઉપર ભારે શાબ્દીક પ્રહારો કર્યા હતા. તેમણે રાફેલ વિમાન ખરીદી મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર ભારે શાબ્દીક પ્રહારો કરી પોતાનો ઉગ્ર આક્રોશ ફાળવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમણે આ દેશના ૪ર૦૦૦ હજાર કરોડ રૂપિયા ડુબાડી દીધા છે. તેમણે જેપીસી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવો જ પડશે તેમના વગર તેમને છુટકો નથી તેઓ રાફેલ મુદ્દે આક્ષેપ કરનારાઓને ભલેને બદનક્ષીની નોટીસો આપતા હોય પરંતુ અમો ચુુપ બેસીશું નહીં.વધતી જતી મોંઘવારી પેટ્રોલ ડીઝલના ભાવો, ખેડૂતોને સ્પર્શતા મુદ્દાઓ વગેરે ઉપર પણ પોતાનો મત પ્રગટ કર્યો હતો. સાથે જ તેમણે હાલમાં અમદાવાદમાં કોંગ્રેસના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પરપ્રાંતીયોના સંદર્ભમાં લેવાયેલા પગલા વિશે પણ વિગતો મેળવવાની અને કોંગ્રેસ આ મુદ્દે પોતે યોગ્ય કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું હતું. આજની પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા, વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લભાઇ તોગડીયા, સુરેશભાઇ સોનવણે, કાસીમ રીઝવાન ઉસ્માની હાજર રહ્યાં હતા.