(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્રીય મંત્રીઓ અરૂણ જેટલી અને પિયુષ ગોયલ દ્વારા સ્વિસ બેંકમાં રહેલા નાણાને કાળા નાણાં ગણાવવા યોગ્ય નથી તેમ કહેતા કોંગ્રેસે તેમના પર પ્રહારો કરતા ફરી પુનરાગમન કર્યું છે. કોંગ્રેસે વર્ષ ૨૦૧૩માં નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભાષણની યાદ અપાવી હતી જેમાં કહેવાયું હતું કે, દરેક બાળક પણ જાણે છે કે, સ્વિસ બેંકમાં રહેલા નાણા કાળા નાણા છે તો શું આ બંને નિવેદનો સાચા છે જેમાં એક પીએમ મોદીનું છે અને અન્ય બે મંત્રીઓના છે. કોંગ્રેસે આ સાથે સ્વિત્ઝરલેન્ડ સાથે નવા કરાર કર્યા હોવાના બે મંત્રીઓના નિવેદનો અંગે પણ પ્રહાર કર્યા હતા જેમાં કહેવાયું હતું કે, ૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેની સાથે કરાર થયા છે. સરકાર સ્વિત્ઝરલેન્ડ સાથે કરારની વાતોની ફેશન બનાવે છે પરંતુ દશકોથી જે લોકોએ સ્વિસ બેંકોમાં નાણાં રાખ્યા છે તેમના નામો બહાર આવતા નથી તેઓ આરોપ મુકતા કોેગ્રેસના પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે, ‘૧૯૪૭થી કેમ નહીં, કોણ તમને બચાવવાનો પ્રયાસ કરે છે’. પક્ષના અન્ય નેતા રણદીપ સૂરજેવાલાએ પોતાના ટિ્‌વટ પ્રહારમાં કહ્યું કે, ‘‘જો સ્વિસ બેંકના નાણા ધોળા છે તો કાળા નાણાં ક્યાં છે.’’
વર્ષ ૨૦૧૪ની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન કરેલા મુખ્ય વાયદાઓમાં વિદેશી બેંકોમાંના કાળા નાણાને પરત લાવવાનું મુખ્ય હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે જો આ બધા નાણા પરત આવી જાય તો સહેલાઇથી દરેક દેશવાસીના બેંક ખાતામાં ૧૫-૨૦ લાખ રૂપિયા આવી શકે છે. સ્વિસ બેંકના સત્તાવાર રિપોર્ટમાં ૨૦૧૭ દરમિયાન એક વર્ષના ગાળામાં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણામાં ૫૦ ટકાનો વધારો થયા હોવાનો ઉલ્લેખ આવતા કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે. પ્રિયંકા ચતુર્વેદીએ બંને મંત્રીઓને પુછ્યું હતું કે, તેઓ બંને દોડીને ખુલાસો કરે છે તો ખરેખર નાણામંત્રી કોણ છે. પ્રિયંકાએ કહ્યું કે, હું સાચા અને ખોટા નાણામંત્રીને પુછવા માગું છું કે, મને નથી ખબર કે કોણ ખરા છે અને કોણ નકલી પણ ૨૦૧૪ પહેલા સ્વિસ બેંક પર કરાયેલી તમામ ચર્ચાને કાળા નાણા ગણાવાતા હતા. અરૂણ જેટલી જ્યારે સર્જરી માટે ગયા હતા ત્યારે પિયુષ ગોયલને હંગામી ધોરણે નાણામંત્રીનું પદ સોંપાયું હતું. જોકે, જેટલીએ ગયા અઠવાડિયે પદ ન હોવા છતાં આર્થિક સલાહકાર પદ છોડી રહ્યા હોવાની જાહેરાત ફેસબૂક પર કરી હતી. જોકે, શુક્રવારે તેમણે પિયુષ ગોયલ બાદ સરકાર તરફથી સ્વિસ બેંકના અહેવાલ અંગે ખુલાસો કર્યો હતો.