(એજન્સી) તા.૧૪
કોઈપણ વ્યક્તિ એવું વિચારી શકે છે કે સોમવારે ઈન્દોરમાં ભાજપ સમર્થકો દ્વારા કરવામાં આવેલા ‘મોદી…મોદી’ના સૂત્રોચ્ચાર વડે ઘેરાયેલા કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધી વિષય પરિસ્થિતિમાં મૂકાયા હતા. પરંતુ આ સૂત્રોચ્ચારથી વ્યથિત થવાને બદલે પ્રિયંકાએ પોતાની આગવી શૈલીમાં આ સમર્થકોને જવાબ આપવાનું નક્કી કર્યું. તે પોતાની ગાડીમાંથી ઉતરી ભાજપ સમર્થકોના ટોળા પાસે ગયા અને બધા જોડે સ્મિત સાથે હાથ મિલાવીને કહ્યું તમે તમારી જગ્યાએ યોગ્ય છો અને હું મારી જગ્યાએ યોગ્ય છું. પ્રિયંકા ગાંધીના આ સહૃદયી વર્તનથી ભાજપ સમર્થકો અવાક બની ગયા અને પ્રિયંકા ગાંધી સાથે સેલ્ફી લેવા માંડ્યા. આટલું જ નહીં ભાજપ સમર્થકોએ પ્રિયંકા ગાંધીને શુભેચ્છા પણ પાઠવી. પ્રશાંતકુમાર નામના પત્રકારે આ વીડિયો ટ્‌વીટર પર શેર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ સોમવારે ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં રોડ-શો આયોજિત કર્યો હતો.