(એજન્સી) લખનઉ, તા.૧૯
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારના મૃતકોના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને માર્ગમાં જ રોકી લેવામાં આવતા તેઓ ધરણા પર બેસીગયા હતા. બાદમાં પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. હિરાતમાં લીધા બાદ પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મારે સોનભદ્ર જવું છે. આ લોકો જ્યાં લઇ જશે ત્યાં જઇશ. પ્રિયંકા ગાંધી સાથે તેમના સમર્થકો પણ માર્ગ પર જ બેસી ગયા હતા. તેમના સમર્થકોએ યુપી સરકાર વિરૂદ્ધ ભારે નારેબાજી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે સોનભદ્ર જિલ્લામાં જમીન વિવાદને લઇ થયેલી હિંસામાં ૧૦ લોકોની હત્યા થઇ હતી જ્યારે ૨૪થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર વીડિયોમાં પ્રિયંકા ગાંધી એમ કહેતા સંભળાયા હતા કે, અમે હજુ પણ ઝુકીશું નહીં, અમે શાંતિ સાથે પીડિત પરિવારોને મળવા જઇ રહ્યા હતા. મને ખબર નથી કે આ લોકો મને ક્યાં લઇ જઇ રહ્યા છે. અમે કોઇપણ સ્થળે જવા માટે તૈયાર છીએ. કોંગ્રેસે આ મામલે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, યુપીની અજયસિંહ બિષ્ટ સરકાર દ્વારા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જવાથી બળજબરીપૂર્વક રોકવા લોકશાહીનું અપમાન છે. કોઇ લેખિત આદેશ અને બંધારણની મૂળ ભાવનાથી વિપરિત અજયસિંહ બિષ્ટ સરકારનું આ પગલું સરમુખત્યારશાહી દર્શાવે છે. આ સાથે જ એક અન્ય ટિ્‌વટમાં લખ્યું હતું કે, સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જઇ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ અજયસિંહ બિષ્ટ સરકારની સરમુખત્યારશાહીનું તાદૃશ ઉદાહરણ છે. અમે પીડિતોને ન્યાય અપાવવા માટે સંકલ્પબદ્ધ છીએ અને ભાજપની સરકારના આ હલ્કા પ્રયાસોથી ડરીશું નહીં. પ્રિયંકા ગાંધી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ સોનભદ્ર હત્યાકાંડમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત માટે હોસ્પિટલે પહોચ્યા હતા. ત્યાંથી તેઓ ૮૦ કિલોમીટર દૂર આવેલા સોનભદ્ર માટે નીકળી ગયા હતા. એવા અહેવાલો પણ ફરતા થયા હતા કે ટોળા એકઠા થવા પર પ્રતિબંધ લગાવાયો હતો. તેમને રોક્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી અવધેશ પાંડેએ કહ્યું કે, પ્રિયંકાજીને અટકાયતમાં લેવાયા છે. તેમને એક ગેસ્ટ હાઉસમાં લઇ જવાયા હતા ત્યારે પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હું પરિવારોને મળ્યા વિના અહીંથી જઇશ નહીં.

પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ સોનભદ્ર હત્યાકાંડ મુદ્દે દેશવ્યાપી પ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના

(એજન્સી)
લખનઉ/ભોપાલ/નવી દિલ્હી, તા.૧૯
સોનભદ્રમાં કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીને અટકાવવા અને હિરાસતમાં લીધા બાદ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. જમીન વિવાદમાં અહીં ૧૦ લોકોની ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે યોગી આદિત્યનાથ સરકારે પ્રિયંકા ગાંધીને પીડિત પરિવારોની મુલાકાત લેતા અટકાવ્યા છે. વેણુગોપાલે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો કરશે. તેમને વારાણસીથી સોનભદ્ર જવાના માર્ગમાં અટકાયતમાં લીધા હતા. વેેણુગોપાલે કહ્યું કે, યોગી સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવાના પ્રયાસ કરે છે. પ્રિયંકા ગાંધીની અટકાયત સરકારનો ઘમંડ દેખાડે છે. પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે યોગી સરકાર વિપક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે.

પ્રિયંકાની અટકાયતને રાહુલ ગાંધીએ સરકારની ‘હતાશા’ ગણાવી

(એજન્સી) લખનઉ, તા.૧૯
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને એ વખતે ગેરકાયદેરીતે પકડી લેવામાં આવ્યા હતા જ્યારે તેઓ સોનભદ્ર જિલ્લામાં થયેલા ખૂની સંઘર્ષના પીડિતોને મળવા માટે જઇ રહ્યા હતા. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, સત્તામાં મનમાની કરવામાં આવી રહી છે. સત્તામાં મનમાની તેમની વધી રહેલી અસુરક્ષાને દર્શાવે છે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીને શુક્રવારના દિવસે સોનભદ્ર તરફ જતી વેળા રોકી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે દાવો કર્યો હતો કે, પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સોનભદ્રમાં પ્રિયંકાની ગેરકાયદે ધરપકડ પરેશાન કરનાર છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, ૧૦ આદિવાસીઓના પરિવારના સભ્યોને પ્રિયંકા મળવા જઈ રહ્યા હતા. જેમની પોતાની જમીન છોડવાથી ઇન્કાર કરવામાં આવતા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રિયંકાને રોકવા માટે સત્તાનો મનમાનીરીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપની સરકારની વધતી અસુરક્ષા આનાથી દેખાઈ આવે છે. કોંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી રહી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આ કાર્યવાહી લોકશાહીનું ખૂલ્લુ અપમાન છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, લોકશાહીની અવગણના કરવામાં આવી રહી છે. પીડિત પરિવારને મળવાની બાબત તથા સંવેદના વ્યક્ત કરવાની બાબત દરેક જનપ્રતિનિધિનું પ્રથમ કર્તવ્ય છે.