(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા શનિવારે સોનભદ્રકાંડના પીડિતોને મળ્યાં હતાં. પીડિતો સાથેની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ માત્ર પીડિતોના આંસુ લૂછ્યા ન હતા પરંતુ તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. પ્રશાસન સામે આરોપ મુકતા પ્રિયંકા ગાંધીએ મીડિયાને કહ્યું કે પ્રશાસને પીડિતોની દેખભાળ કરવી જોઇએ. જ્યારે તેમની સાથે ઘટના સર્જાઇ ત્યારે તેમની મદદ કરવી જોઇતી હતી. પ્રશાસનની માનસિકતા મારી સમજ બહાર છે. તમે એમના પર થોડુંક દબાણ કરો, તમે મારી પાછળ પડ્યા છો. પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે મારો હેતુ પુરો થઇ ગયો, કારણ કે મેં પીડિતો સાથે મુલાકાત કરી લીધી છે. તેમ છતાં હું અટકાયતમાં છું, જુઓ હવે પ્રશાસન શું કહેશે. ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિજનને કોંગ્રેસ ૧૦ લાખ રૂપિયાનું વળતર આપશે. હવે પ્રિયંકા ગાંધી વાડરા બનારસ સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરવા જશે. દરમિયાન, કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા સહિત પક્ષના કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. શુક્લાએ પત્રકારોને જણાવ્યું કે એરપોર્ટ પર પહોંચતાની સાથે જ અમારી અટકાયત કરી લેવામાં આવી હતી. હવે એ લોકોએ અમને ચુનાર જવાની મંજૂરી આપી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ છે. સોનભદ્રના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જેઓ મળવા માગતા હતા, તેમની સાથે મુલાકાત કરાવી દેવામાં આવી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે આ મુદ્દા અંગે પ્રિયંકા ગાંધી સામે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના કુકર્મોથી જ સોનભદ્રકાંડ થયું છે. સોનભદ્રના ડીએમ અંકિત અગ્રવાલે જણાવ્યું કે ગામની સ્થિતિ સંવેદનશીલ હતી તેથી જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવી પડી. રાજકીય પક્ષોના નેતાઓની સાથે સામાજિક સંગઠનોના કાર્યકરોની એન્ટ્રી સામે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

ભીષણ ગરમીમાં વીજળી વગર પ્રિયંકા ગાંધીએ ચુનારના કિલ્લામાં આવી રીતે રાત પસાર કરી

સોનભદ્ર નરસંહાર પીડિતો સાથે મુલાકાત કરવા જઇ રહેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને પોલીસે મિર્જાપુરમાં જ રોકી લીધાં હતાં. ત્યાર પછી પ્રિયંકા ગાંધીએ આખી રાત પોલીસ કસ્ટડીમાં પસાર કરી હતી. મોડી રાત્રિ સુધી અધિકારીઓની મિર્જાપુર ગેસ્ટ હાઉસમાં અવર-જવર ચાલુ રહી હતી. પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નરસંહાર પીડિતોને મળ્યા વગર પાછા જશે નહીં. પ્રિયંકા ગાંધીની અટકાયત કરીને જે ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં હતાં ત્યાં રાત્રિના ૧૦ વાગ્યા સુધી વિજળી પણ ન હતી. મિર્જાપુરના પ્રશાસને પ્રિયંકા ગાંધીને બતાવ્યું પણ હતું કે અહીં વિજળી નહીં હોવાથી એસી લગાવવામાં આવ્યું નથી, તેથી તમે વારાણસી જતા રહો પરંતુ પ્રિયંકા ગાંધીએ વારાણસી જવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રિયંકા ગાંધીએ પ્રશાસનને કહ્યું કે તેમને એસી જોઇતું નથી, તેઓ કાર્યકરો સાથે રહેશે. પ્રિયંકા ગાંધીએ ચુનાર ગેસ્ટ હાઉસમાં એસી વગર રાત જાગીને પસાર કરી. તેઓ કોંગ્રેસનાં કાર્યકરો સાથે રહ્યાં. મોડી રાત્રે કોંગ્રેેસના લોકોએ પોતાના ખર્ચે જનરેટર મંગાવ્યું ત્યારે લાઇટની વ્યવસ્થા થઇ શકી હતી. કાર્યકરોએ જમીન પર ચાદર પાથરીને ગમે તેમ કરીને રાત પસાર કરી હતી. કાર્યકરોએ પણ ચુનાર ગેસ્ટ હાઉસમાં જ ડેરો નાખી દીધો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સોનભદ્રના પીડિતોને મળ્યા વગર જઇશ નહીં.

સોનભદ્ર – પીડિતો સાથે મળીને પ્રિયંકા ગાંધી રડી પડ્યાં, વીડિયો વાયરલ થયો !

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારવાળાઓ સાથે શનિવારે આખરે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી હતી. ૨૪ કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા આ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પ્રશાસને પીડિત પરિવારો સાથે પ્રિયંકા ગાંધીની મુલાકાત કરાવી હતી. પીડિતોના પરિવારના લોકો પ્રિયંકા ગાંધીને મળવા માટે ગેસ્ટ હાઉસની બહાર સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી તેમને ગેટ પર રોકી દેવામાં આવ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી પાતે તેમને મળવા માટે જવા લાગ્યા તો પોલીસે તેમને અટકાવી દીધા હતાં. ત્યાર પછી પીડિતોના પરિવારોને અંદર બોલાવીને પ્રિયંકા ગાંધી સાથે તેમની મુલાકાત કરાવવામાં આવી હતી. પીડિત પરિવારો સાથે મળીને પ્રિયંકા ગાંધી ભાવુક થઇ ગયાં હતાં. એટલું જ નહીં, પીડિતો સાથે વાત કરી વખતે પ્રિયંકા ગાંધીની આંખોમાંથી આંસુ પણ સરી પડ્યા હતા. ત્યાર પછી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સોનભદ્રથી કુલ ૧૫ લોકો પ્રિયંકા ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા. ચુનારના જે ગેસ્ટહાઉસમાં પ્રિયંકા ગાંધીને રાખવામાં આવ્યાં હતાં ત્યાં રાતભર કાર્યકરો ભારે સંખ્યામાં ભેગા થઇ ગયા હતા. સવારે તો ભારે ભીડ જામી ગઇ હતી.

ગ્રામીણો પર ‘અત્યાચારો સામે ઊભા થવા બદલ હું તમારો વધુ આદર કરવા લાગ્યો છું’ : રોબર્ટ વાડરા

રોબર્ટ વાડરાએ સોનભદ્રની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મુલાકાત કરવા બદલ પોતાનાં પત્ની અને કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે ગ્રામજનો પર અત્યાચારો સામે ઉભા થવા બદલ તેઓ પ્રિયંકા ગાંધીનો વધુ આદર કરવા લાગ્યો છું. સોનભદ્રકાંડના પીડિત પરિવારોએ મિર્જાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટ હાઉસ ખાતે શનિવારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. પ્રિયંકા ગાંધીને ચુનાર ગેસ્ટહાઉસમાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યા હતા અને પ્રિયંકાએ આખી રાત ચુનાર ગેસ્ટહાઉસમાં પસાર કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય રાયે જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારોના ૧૨ સભ્યોએ ગેસ્ટહાઉસ ખાતે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. રોબર્ટ વાડરાએ એવું ટિ્‌વટ કર્યું કે મેં કરૂણા, સહાનુભૂતિ અને ઇમાનદારીના તમારા ગુણોનો હંમેશ આદર કર્યો છે. આજે ગ્રામિણ પર અત્યાચારો સામે ઉભા થવા બદલ હું તમારો વધુ આદર કરવા લાગ્યો છું.

પ્રિયંકાને રાતભર યોગીના અધિકારી મનાવતા રહ્યા પરંતુ સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળ્યા વગર પાછા જવાનો પ્રિયંકાએ ઇનકાર કર્યો

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં માર્યા ગયેલા લોકોના પરિવારવાળાઓને મળવા માટે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા માટે અડગ રહ્યા હતા. શુક્રવારે પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા માટે રવાના થયાં તો તેમની અટકાયત કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી અને તેમની સાથે ૧૦ કોંગ્રેસીઓને ચુનારના કિલ્લામાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યાં કોંગ્રેના કાર્યકરો ભારે સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. પ્રિયંકા ગાંધી આખી રાત ચુનાર ગેસ્ટહાઉસમાં રહ્યાં હતાં. મોડી રાત સુધી મિર્જાપુર ગેસ્ટહાઉસમાં યોગીના અધિકારીઓની અવર-જવર ચાલુ રહી હતી. અધિકારીઓ પ્રિયંકા ગાંધીને મનાવતા રહ્યા પરંતુ તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે તેઓ નરસંહાર પીડિતોને મળ્યા વગર પાછા જશે નહીં. મોડી રાત્રે પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું કે યુપી સરકારના એડીજી વારાણસી શ્રી બૃજ ભૂષણ, વારાણસી કમીશનર શ્રી દીપક અગ્રવાલ, મિર્જાપુરના કમીશનર, મિર્જાપુરના ડીઆઇજીને મને એમ કહેવા માટે મોકલવામાં આવ્યા હતા કે હું પીડિત પરિવારોને મળ્યા વગર અહીંથી પાછી જતી રહું. બધા મારી સાથે એક કલાક સુધી બેસ્યા હતા. મને અટકાયતમાં રાખવાનો કોઇ આધાર બતાવવામાં આવ્યો નથી કે ન તો મને કોઇ દસ્તાવેજ આપવામાં આવ્યા છે.

‘હું પાછી આવીશ’, યુપી શૂટઆઉટના પીડિતોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું

સોનભદ્રના પીડિત પરિવારો સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ ધરણા ખતમ કરી દીધા છે. તેમણે કહ્યું કે હું પીડિત પરિવારના સભ્યો સાથે મળી, મારો હેતુ પુરો થઇ ગયો છે. આજે હું જઇ રહી છું પરંતુ હું ફરી આવીશ. પ્રિયંકા ગાંધીએ દિલ્હી પરત જવાનું નક્કી કર્યું હતું પરંતુ પાછા આવવાનું તેમણે વચન આપ્યું છે. ચુનાર કિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રશાસનની સહમતિ અને સાઠગાંઠથી આ સમગ્ર ઘટના સર્જાઇ છે. ઘટનાની સવારે પોલીસે ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે કહ્યું કે કશું જ થશે નહીં. મહિલાઓ સામે બનાવટી કેસ કરવામાં આવ્યા છે. અમે તેમની પડખે ઉભા રહીશું. તેમની લડાઇ લડીશું. પીડિત પરિવારોને ૨૫ લાખનું વળતર મળે. જમીન પર તેમનો માલિકી હક મળે, મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. ખોટા કેસો ખતમ કરવામાં આવે. ચુનારમાં ધરણા ખતમ કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે તેઓ વારાણસી જશે અને ત્યાં કાશી વિશ્વનાથ મંદિર તેમ જ કાલ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે.