કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ર૮મી ફેબ્રુઆરીના રોજ તેમની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી સભા ગુજરાતના ગાંધીનગર જિલ્લામાંથી સંબોધિત કરશે. અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી આ ચૂંટણી સભા ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રેલી અને સભા હશે તેવો દાવો કરાયો છે આ સભામાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંકશે.
લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ હવે એકદમ એકશન મોડમાં છે અને આ વખતે કોઇપણ ભોગે સત્તાના શિખરો સર કરવા માટેનું બહુ ગણતરીપૂર્વકનું પ્લાનીંગ અને રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બહુ મહત્ત્વની બેઠક આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં તા.૨૮મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની ગુજરાતમાં યોજાનારી આ મહત્ત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ કરશે.
ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં કોંગ્રેસને મોટો ફાયદો થાય તો, ગઠબંધન અને તડજોડની નીતિના સહારે કેન્દ્રની સત્તા મેળવવાનો સીધો અને મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં બહુ મહત્ત્વની અને નોંધનીય ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. અગાઉ સીડબલ્યુસીની બેઠક તા.૨૬મી ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ હવે તા.૨૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવાનું નક્કી થયું છે અને તે પણ ગુજરાતમાં જેને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. કોંગ્રેસના નેતાઓ હવે સીડબલ્યુસીની બેઠક અને પ્રિયંકા-રાહુલની જાહેરસભાઓને લઇ તડામાર તૈયારીઓમાં પડયા છે.