(એજન્સી) નવીદિલ્હી,તા. ૩૦
ઉન્નાવ ગેંગરેપ પીડિતા સાથે થયેલા અકસ્માત અંગે લોકસભામાં આજે ભારે હોબાળો સર્જાયો હતો. વિપક્ષના સાંસદોએ ગૃહમાં ‘પ્રધાનમંત્રી જવાબ આપો’ અને ‘બેટી પઢાઓ-બેટી બચાવો’ના નારા લગાવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે ‘ઉન્નાવની ઘટના સભ્ય સમાજ પર કલંક છે. રેપ મામલાની સીબીઆઇ દ્વારા તપાસ થઇ રહી હોવા છતાં ભાજપ સરકાર પીડિતોને સુરક્ષા આપી શકી રહી નથી.’ કોંગ્રેસ સાંસદે એવુંપણ કહ્યું કે રેપ પીડિતાના પરિવારના ઘણા સભ્યોનીપહેલા જ મોત થઇ ગઇ છે. તેમણે કહ્યું કે ગૃહ પ્રધાને આ મામલામાં ગૃહમાં જવાબ આપવો જોઇએ, આપણ કયા સમાજમાં રહી રહ્યા છીએ. પીડિતા સાથે દર્દનાક ઘટના સર્જાઇ રહી છે અને સરકારે તેનો જવાબ આપવો જોઇએ.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના પરિવારની કારના ગમખ્વાર અકસ્માતના મામલે ટ્વીટ કર્યા હતા. પ્રિયંકાએ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને આ બાબતે ગંભીર પગલા લેવા અપીલ કરી હતી. પ્રિયંકા વાડ્રાએ ટ્વીટમાં જણાવ્યું કે, ઈશ્વરની ખાતર વડાપ્રધાને આવા ગુનેગાર અને તેના ભાઈને તમારા પક્ષે આપેલી સત્તાને પરત ખેંચી લેવી જોઈએ હજી પણ મોડું નથી થયું.
પ્રિયંકા ગાંધીએ ભાજપના ધારાસભ્ય અને ઉન્નાવ ગેંગરેપના આરોપી કુલદીપ સિંહ સેનગરને ભાજપ છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે શા માટે પીડિતોને તેમની લડાઈ લડવા એકલા રઝળતા મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ એફઆઈઆરના કેટલાક અંશ પણ ટ્વીટમાં ટેગ કર્યા હતા. પ્રિયંકાએ ટ્વીટમાં વધુમાં જણાવ્યું કે, પીડિતાના પરિવારે એફઆઈઆરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ મળતી હતી તેમજ અકસ્માતના ષડયંત્રમાં ઉડાવી દેવાનો પણ ઉલ્લેખ છે. એફઆઈઆરને ટાંકીને પ્રિયંકાએ પ્રહાર કરતા જણાવ્યું કે શા માટે કુલદીપ સેંગર જેવા લોકોને રાજકીય પીઠબળ પુરું પાડવામાં આવે છે ? સમાજવાદી પક્ષના નેતાઓએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પ્રદર્શન કર્યું હતું.
ઉન્નાવ કાંડ : સડકથી સંસદ સુધી હંગામો, ગૃહમાં શાહ પાસે જવાબ માગ્યો, પ્રિયંકાની PMને અપીલ : આરોપીને પ્રોત્સાહન ન આપો

Recent Comments