નવી દિલ્હી, તા.૨૦
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ જોઇને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વિચારોનું સન્માન નથી કરતા.
પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, આરએસએસે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે સમાજના તમામ મુદ્દાઓનું સમાધાન સૌહાર્દપૂર્ણ વાતચીતથી થવું જોઇએ, મને લાગે છે કે મોદીજી અને તેમની સરકાર આરએસએસના વિચારોનું સન્માન નથી કરતી અથવા તો તેઓ જમ્મુ-કાશ્મીરને કોઇ મુદ્દો જ નથી માનતા.
આરએસએસના પ્રમુખે રવિવારે જણાવ્યું હતું કે, જે લોકો અનામતના પક્ષમાં છે અને જે લોકો તેના વિરોધ પક્ષમાં છે, આ બંને પક્ષો વચ્ચે સૌહાર્દપૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઇએ. મોહન ભાગવતના નિવેદન અંગે ભારે વિવાદ થતા આરએસએસે ટ્‌વીટ કર્યું હતું કે, પ્રમુખ મોહન ભાગવતે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં કરેલા સંબોધનના એક ભાગ પર બિનજરુરી વિવાદ ઉભા કરવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.