પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ વિરૂદ્ધ તપાસ એજન્સીઓના પગલાં અંગે સરકારની ઝાટકણી કાઢતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ આરોપ લગાવ્યો હતો કે, કાયરો માટે અસુવિધાજનક સમાન તેઓ સત્ય બોલતા હોવાથી તેમની પાછળ પડી ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી તેમની પડખે ઉભી છે. પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીને પ્રિયંકા ગાંધીએ એવા સમયે ભરપૂર ટેકો આપ્યો છે જ્યારે આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડમાંથી રાહત આપવાનો ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સીબીઆઇ અને ઇડીની ટીમો કલાકોમાં જ તેમના ઘરે પહોંચી ગઇ હતી અને તેઓ ના મળતા તેમને બે કલાકમાં પુછપરછ માટે હાજર રહેવાની નોટિસ પાઠવી હતી. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરવા અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર શરમજનક રીતે ચિદમ્બરમની પાછળ પડી ગઇ છે કેમ કે, તેઓ ભય વિના સત્ય બોલે છે અને સરાકરની નિષ્ફળતાઓને સામે લાવે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ચિદમ્બરમ સાથે ઉભા છે અને આ લડાઇ ચાલુ રહેશે. તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, એક અત્યંત સન્માનજનક રાજ્યસભાના સભ્ય પી ચિદમ્બરમે દશકો સુધી દેશના નાણામંત્રી તથા ગૃહમંત્રી ઉપરાંત અન્ય પદો પર સંપૂર્ણ વફાદારી સાથે સેવા કરી છે. તેઓ કોઇપણ ભય વિના સત્ય બોલે છે અને આ સરકારની નિષ્ફળતાઓને ખુલ્લી પાડે છે, પણ સત્ય કાયરો માટે અસુવિધાજનક નથી હોતું તેથી શરમજનક રીતે તેમનો પીછો કરાઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમે તેમની સાથે ઉભા છીએ અને સત્ય માટે લડતા રહીશું પછી પરિણામ કાંઇ પણ હોય.