(એજન્સી) તા.૧૦
ઘટતી જતી જીડીપી મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે. સરકારની આંખો કયારે ઊઘડશે. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરી કે અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે. લાખો ભારતીયોની આજીવિકા પર સંકટ તોળાઈ રહ્યું ઓટો સેકટર અને ટ્રક સેકટરની મંદી ઉત્પાદન અને વાહન વ્યવહારમાં નકારાત્મક વૃદ્ધિદરનો સંકેત છે. કોંગ્રેસ મહાસચિવે તેમના આ ટ્‌વીટ સાથે મીડિયા અહેવાલને પણ ટાંક્યો હતો જેમાં મારૂતિ અને અશોક લેલેન્ડના પ્લાન્ટ બંધ થવાનો ઉલ્લેખ છે. પ્રિયંકાએ પ્રશ્ન કર્યો હતો કે આ વિશે સરકારની આંખો કયારે ઊઘડશે ? આ પહેલાં ર સપ્ટેમ્બરે પણ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર મંદીનું કોઈ નક્કર ઉકેલ શોધવાને બદલે હેડલાઈન મેનેજમેન્ટમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી દર ઘટીને પ ટકા સુધી પહોંચી ગયો હતો.