(એજન્સી) નવી દિલ્હી, તા.૧
બળાત્કારના આરોપી ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ સામે ફરિયાદ લખાવનાર વિદ્યાર્થિનીના સમર્થનમાં પાર્ટી દ્વારા આયોજીત રેલીને અટકાવવા બદલ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, સત્તાના ઘમંડમાં ભાજપે લોકશાહીની હત્યા કરી નાંખી છે.
રેપ કેસની પીડિતા વિદ્યાર્થિનીના સમર્થનમાં રેલીના આયોજીત અગાઉ જાહેર સભામાં ભાગ લેનારા કોંગ્રેસના ૮૦ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ પર રેલી અટકાવવાનો આરોપ લગાવતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, પાર્ટીના નેતાઓ સહિત તેમના પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. શાહજહાંપુરની સરહદ તમામ તરફથી બંધ કરવામાં આવી હતી. કોંગ્રેસે વિદ્યાર્થીના સમર્થનમાં શાહજહાંપુરથી લખનૌ સુધીની ૧૮૦ કિ.મી. લાંબી રેલી યોજવાનું આયોજન કર્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, સત્તાના નશામાં ભાજપે લોકશાહીની હત્યા કરી નાંખી છે. બળાત્કારના આરોપીને બચાવવા ભાજપ કોઈપણ હદ સુધી જઈ શકે છે અને શાહજહાંપુરની પુત્રીનો અવાજ દબાવવા ભાજપ કંઈ પણ કરી શકે છે.