(એજન્સી) લખનૌ, તા.ર
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ભાજપે મહાત્મા ગાંધીની વાત કરતા પહેલાં તેમણે બતાવેલા સત્યના માર્ગે ચાલવું પડશે. લખનૌમાં મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે એક વિશાળ મૌન રેલીની આગેવાની પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. તે નિમિત્તે તેમણે ભાજપને ટકોર કરી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીનો આગ્રહ હતો કે સત્યના માર્ગે ચાલવું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલાઓ સામે અત્યાચારો થઈ રહ્યા છે, ત્યારે મહિલાઓ તેની સામે લડવા તેમનો અવાજ બુલંદ બનાવે છે. પરંત. તેમના અવાજને કચડી દેવાય છે. આપણે ચોક્કસ તેની સામે સંઘર્ષ કરવો જોઈએ. કોંગ્રેસે લખનૌમાં પ્રિયંકા ગાંધીની આગેવાની હેઠળ શહીદ સ્મારકથી જીપીઓ પાર્ક સુધી પદયાત્રા યોજી હતી. યાત્રાના અંતે નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રિયંકા ગાંધી લખનૌ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે સાંજે બેઠક યોજનાર છે. બીજી તરફ યુપી ભાજપની યોગી સરકારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. સત્ર બુધવારે શરૂ થઈ ગુરૂવાર સુધી ચાલનાર છે. જ્યાં નેતાઓ મહાત્મા ગાંધીના વિચારો દર્શાવશે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અજયકુમાર લલ્લુએ આ વિશેષ સત્રના બહિષ્કારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં લૂંટ-હત્યાઓ, રેપ થઈ રહ્યા છે ત્યારે સરકાર કોઈ પગલાં લેતી નથી. સપા નેતા અખિલેશ યાદવે પણ વિશેષ સત્રનો બહિષ્કાર કર્યો હતો. તેમણે લખનૌમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.