(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશની ઘણી મુખ્ય સરકારી સંસ્થાઓને વેચવા અને ખાનગી હાથોમાં સોંપવા મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેણીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હૈ મેરા. આપણી સંસ્થાઓ આપણી શાન છે. આ જ આપણી સોને કી ચીડિયા છે. ભાજપે વાયદો તો દેશ બનાવવાનો કર્યો હતો પરંતુ કામ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓને કંગાળ કરીને તેમને વેચવાનું કરી રહી છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. હકીકતમાં પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્‌્‌વીટમાં સરકારી એરલાઈન્સ કંપની, એર ઈન્ડિયા અને સરકારી તેલ રિફાઈનરી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન તરફ ઈશારો કર્યો છે. તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક સાક્ષાત્કારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે છે કે માર્ચ સુધીમાં એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વેચાણની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે. તેમણે તેમ પણ કહ્યું કે, તેને વેચવાની આ નાણાંકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે. નાણામંત્રીએ સાક્ષાત્કાર દરમિયાન તેમ પણ કહ્યું હતું કે, સરકારે ગત વર્ષે પણ એર ઈન્ડિયાને વેચવાની યોજના ઘડી હતી પરંતુ તે સમયે રોકાણકારોએ તેને ખરીદવામાં વધુ ઉત્સાહ દર્શાવ્યો નહોતો. આજ કારણોસર એર ઈન્ડિયાને ન વેચી શકાય.